પાકિસ્તાન પ્રવાસ જનાર ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમની જાહેરાત

ઇસ્વામાબાદ, પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં તમામ મુખ્ય ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ડેવિડ વોર્નર, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન અને ઉસ્માન ખ્વાજા જેવા દિગ્ગજ ખેલાડીઓ આ ટેસ્ટ ટીમનો ભાગ છે.
અગાઉ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કદાચ કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સુરક્ષાનાં કારણોસર પાકિસ્તાન પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચી શકે છે પરંતુ એવું થયું નહીં. એશ્ટન અગરનો ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ સપ્ટેમ્બર ૨૦૧૭માં રમી હતી અને હવે તે પુનરાગમન કરી રહ્યો છે. તે નાથન લિયોન અને મિશેલ સ્વેપ્સન પછી ટીમમાં ત્રીજા સ્પિનરની ભૂમિકા ભજવશે. ઉપમહાદ્વીપની સ્થિતિને ધ્યાનમાં રાખીને કાંગારૂ ટીમમાં ૩ સ્પિનરોની પસંદગી કરવામાં આવી છે.
હોબાર્ટ ટેસ્ટ મેચમાંથી બહાર થયેલા ઓપનર માર્કસ હેરિસને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે જ જાેશ હેઝલવુડની પણ ઈજા બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. ઈજાનાં કારણે તે ઈંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો.
જ્યે રિચર્ડસનને તેના વર્કલોડ મેનેજમેન્ટનાં કારણે આરામ આપવામાં આવ્યો છે. મિચેલ માર્શનાં રૂપમાં ટીમમાં એક ઓલરાઉન્ડરનો ઉમેરો થયો છે, જ્યારે જાેશ ઈંગ્લિશ ટીમનો બીજાે વિકેટ કીપર બેટ્સમેન હશે. જસ્ટિન લેંગરનાં રાજીનામા બાદ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડને વચગાળાનાં કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ૪ માર્ચથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.HS