પાકિસ્તાન સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે: જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી
શ્રીનગર, જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે શુક્રવારે જણાવ્યું કે, ઘાટીમાં આતંકવાદને ફન્ડિંગ કરવા માટે અને આપણા યુવાનોને આતંકના માર્ગે ધકેલવાના ઈરાદાથી પાકિસ્તાન સરહદ પારથી ભારે પ્રમાણમાં ડ્રગ્સનો સપ્લાય કરી રહ્યું છે.
જમ્મુ કાશ્મીરના પોલીસ અધિકારીઓની એનસીબી સાથેની સ્પેશિયલ ટ્રેઈનિંગ દરમિયાન સિંહે આ વાત જણાવી હતી. તેમણે જાજર કોટલી વિસ્તારમાંથી સીઝ કરવામાં આવેલા ૫૨ કિલો હેરોઈન અને તે સિવાય પુંછ, બારામુલા અને અન્ય સરહદી વિસ્તારોમાંથી જપ્ત કરવામાં આવેલા અન્ય ડ્રગ્સનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું.
આ સાથે જ ડીજીપીએ આંતરરાજ્યીય ડ્રગ સપ્લાય અને રેકેટ્સ પર પણ શિકંજાે કસવાની વાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન સિંહે જમ્મુ કાશ્મીરના પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ટ્રેઈનિંગ માટે ફેકલ્ટી આપવા બદલ એનસીબી પ્રમુખ એસએન પ્રધાનનો આભાર માન્યો હતો.
તેમણે જણાવ્યું કે, આ ટ્રેઈનિંગ પ્રોગ્રામનું લક્ષ્ય એનડીપીએસના કેસમાં આપણી પોલીસના તપાસ કૌશલ્ય અને ક્ષમતા વધારવાનો છે. આ સાથે જ તેમણે આ ટ્રેઈનિંગ કાર્યક્રમ શા માટે અને કઈ રીતે આટલા જરૂરી છે તેમ પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન તરફથી આતંકવાદને ફન્ડિંગ અને માસૂમ યુવાનોને આતંકવાદમાં ધકેલવાનો પ્રયત્ન એ કોઈ નવી વાત નથી.
જાેકે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદી બાદ પાકિસ્તાન માટે ઘૂસણખોરી હવે એટલી સરળ નથી રહી. ઉપરાંત આતંકવાદને લઈ સુરક્ષાદળોને પણ ફ્રી હેન્ડ આપી દેવાયેલું છે. જ્યારે પાકિસ્તાન માટે સરહદ પર ઘૂસણખોરી મુશ્કેલ બની જાય છે ત્યારે તે નવી નવી પદ્ધતિઓ અપનાવીને પોતાની નાપાક હરકતોને અંજામ આપે છે.HS