પાક.ના ગોળીબારનો મુદ્દો રાજકીય સ્તરે ઊઠાવાશે
દ્વારકા, સરહદ પારથી સતત પાકિસ્તાન કોઈકને કોઈક રીતે અવળચંડાઈ કરતું રહે છે. આ વખતે ફરી એકવાર પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. દ્વારકાના ઓખા બંદરથી માછીમારી કરવા ગયેલી જલપરી નામની બોટ પર પાકિસ્તાનની એજન્સીએ ગોળીબાર કર્યો હતો. જેમાં એક માછીમારનું મોત થયું છે. આ ઘટનામાં અન્ય એક માછીમાર ઈજાગ્રસ્ત થયો છે.
જેને ઓખા બંદરે લાવવામાં આવ્યાં છે. ઈજાગ્રસ્ત માછીમારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે ભારત સરકાર સાથે જાેડાયેલા એક સૂત્રએ કહ્યું કે, ગોળીબારની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. ડિપ્લોમેટિક સ્તર પર આ મુ્દ્દે પાકિસ્તાન પાસેથી માંગવામાં આવશે જવાબ.
ઓખા મરીન પોલીસે મૃતક માછીમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. હાલ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ડૉક્ટરની ૩ પેનલ પોસ્ટમોર્ટમ કરશે અને વીડિયોગ્રાફી પણ કરાશે.
હાલ મૃતક માછીમારની લાશને કોલ્ડ રૂમમાં રાખવામાં આવી છે. તથા ઘાયલ માછીમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઓખાથી દરિયામાં માછીમારી કરવા ગયેલી જલપરી નામની બોટમાં પાકીસ્તાનની મરીને ફાયરીંગ કર્યુ હતું. જેમાં મહારાષ્ટ્રના થાણેના રહેવાસી શ્રીધર નામના માછીમારનું મોત થયું છે. ફાયરિંગના પગલે બોટના કાચ તુટ્યાં હતા. એક માછીમારનું મોત તેમજ એક માછીમાર ઘાયલ થયો છે. ત્યારે હાલ આ જલપરી બોટને ઓખા લાવવામાં આવી છે.
ઓખા મરીન દ્વારા આ મામલે પંચનામું કરવામાં આવ્યું છે. જલપરી બોટ ગત તારીખ ૨૬ના રોજ માછીમારી કરવા ઓખાથી નીકળી હતી. ત્યારે ગઈકાલે શનિવારે રાત્રે ૩થી ૪ વાગ્યાની આસપાસ બોટમાં પાકિસ્તાનની મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં મહારાષ્ટ્રના થાનેના રહેવાસી શ્રીધર નામના માછીમારનું મોત થયું છે. જ્યારે એક માછીમારને ડાબા ગાલમાં ઈજા પહોંચી છે. આ બોટમાં કુલ ૭ માછીમારો સવાર હતા. આ બોટ ગીર સોમનાથના કોડીનાર તાલુકાના માઢવડ ગામની છે.
આ અંગે એક માછીમારે જણાવ્યું હતું કે, ૨૬ તારીખે અમે લોકો માછીમારી કરવા માટે ગયા હતા. અમે મહારાષ્ટ્રના છીએ અને અહિં ધંધો કરવા માટે આવ્યાં છીએ. અમે ૭ લોકો હતા. બોટમાં ૨ લોકોને ગોળી વાગી હતી. જેમાંથી એકનું મોત થયું છે.
જ્યારે બીજાને ગાલ પર ઈજા પહોંચી છે. અમે ત્યારે એકલા જ હતા. આ દરમિયાન પાકિસ્તાનની કોસ્ટગાર્ડે આવીને અમારા પર ગોળીબાર કર્યો હતો. ઓખાથી ૧૨૦થી ૧૨૫ કિલોમીટર અમે દુર હતા. ભારતની કોસ્ટગાર્ડ સાથે સંપર્ક થઈ ન શક્યો. રાત્રે આ ઘટના બની હતી. ત્યારબાદ અમે અમારા શેઠને જાણ કરી હતી.SSS