પાક.ની જીત પર ઉજવણી કરનારાઓ પર આ યોગી સરકાર ચલાવશે દેશદ્રોહનો કેસ

લખનૌ, ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની જીત પર દુશ્મન દેશને સમર્થન કરનાર ભારતીય લોકો સામે યોગી સરકારે કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં સાત લોકો સામે ગુનો નોંધ્યો છે.
ઉત્તર પ્રદેશ પોલીસે અલગ અલગ જિલ્લામાં પાકિસ્તાનના સમર્થનમાં આવેલા લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આ ઉપરાંત દેશદ્રોહ અંતર્ગત કેસ ચલાવવામાં આવશે. જેમાં આગ્રામાં ત્રણ, બરેલીમાં ત્રણ અને લખનૌમાં એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
બીજી તરફ રાજસ્થાનના ઉદયપુરમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમનું સમર્થન કરનાર શિક્ષિકા નફીસા અટારીની અમ્બામાતા પોલીસે ધરપકડ કરી લીધી છે. નફીસાએ મેચ બાદ વોટ્સએપ પર સ્ટેટ્સ મુક્યું હતુ અમે જીતી ગયા. નફીસાની જીત પર આ પ્રકારે આનંદ વ્યક્ત કર્યા બાદ તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રવિવારે દુબાઇમાં ટી-20 વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનની ભારત સામે જીત થઇ હતી. 2007થી લઇ 2016 સુધી ભારત દર વખતે ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું છે. આ ઉપરાંત 50 ઓવરના વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાનની આ પહેલીવાર ભારત સામે જીત મળી છે.