પાક.માં ચીનના રાજદૂતને નિશાન બનાવી આતંકીઓએ વિસ્ફોટકોથી હોટેલ ઉડાવી
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં ચીનના વધતા જતા હસ્તક્ષેપથી રોષે ભરાયેલા આતંકવાદીઓ ચીનને નિશાન બનાવીને સતત હુમલા કરી રહ્યાં છે. બુધવારે ક્વેટામાં આતંકવાદીઓએ ચીનના રાજદૂતને નિશાવ બનાવીને એક હોટેલને વિસ્ફોટકોથી ઉડાવી દીધી હતી. આતંકવાદીઓને બાતમી મળી હતી કે ચીનના રાજદૂત ક્વેટાની સેરેના હોટેલમાં રોકાયેલા છે.
જાે કે હુમલાના સમયે તે હોટેલમાં હાજર ન હતાં. સૂત્રોના આ વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયા છે અને ૧૨થી વધુ લોકો ઘાયલ થયા છે. ક્વેટા પોલીસના ડીઆઇજી અઝહર ઇકરામે જણાવ્યું હતું કે વિસ્ફોટકો એક કારમાં રાખવામાં આવ્યા હતાં.મૃતકોમાં હોટેલની બહાર તૈનાત પોલીસકર્મી પણ સામેલ છે. રાતે લગભગ ૧૦.૪૫ વાગ્યે થયેલા આ હુમલા પછી પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંદી કરી લીધી હતી. આ વિસ્ફોટ કરવા માટે ૮૦ થી ૯૦ કિલોગ્રામ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
આ ઘટનાના થોડાક સમય પછી બલૂચિસ્તાનના ગૃહ પ્રધાન મીર જિયાઉલ્લાહ લેંગોવે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આતંકવાદ સતત વધી રહ્યો છે. અમારા પણ કેટલાક લોકો આ પ્રવૃત્તિઓમાં સામેલ છે. હુમલા અગાઉ ખતરાની કોઇ સૂચના આપવામાં આવી ન હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હુમલાના સમયે ચીનના રાજદૂત હોટેલમાં હાજર ન હતાં. હમણા જ ચીનના રાજદૂતને મળીને આવ્યો છું અને તે સુરક્ષિત છે.બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા લિયાકત શાહવાનીએ જણાવ્યું હતું કે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે આ હુમલામાં સામેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ હુમલા પાછળ ચીન વિરોધી બલૂચિસ્તાન લિબરેશન આર્મીનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સંગઠને અગાઉ પણ ચીનના અધિકારીઓ અને કર્મચારીઓને નિશાન બનાવીને હુમલા કર્યા છે. ગયા વર્ષે કરાચી સ્ટોક એક્સચેન્જમાં થયેલા હુમલા પાછળ પણ આ જ સંગઠનનો હાથ હોવાનું માનવામાં આવે છે. બલૂટિસ્તાન લિબરેશન આર્મી પહેલાથી જ ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોરનો પણ વિરોધ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કોરિડોરનો મોટાભાગનો હિસ્સો બલૂચિસ્તાનમાંથી થઇને પસાર થાય છે.