પાક વિમા મુદ્દે ધાંધલ : કોંગીના સભ્યો દ્વારા કરાયેલ ગૃહત્યાગ
અમદાવાદ: ગુજરાતમાં પાક વીમા મુદ્દે રાજયના લાખો ખેડૂતોને થઇ રહેલા અન્યાય અને ખેડૂતોને સરકાર કે વીમા કંપનીઓ દ્વારા નહી ચૂકવાતા પાક વીમાને લઇ આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહમાં જારદાર હંગામો અને હોબાળો મચાવ્યો હતો.
એક તબક્કે વિપક્ષ કોંગ્રેસના તમામ સભ્યોએ અધ્યક્ષ તેરી દાદાગીરી નહી ચલેગી, નહી ચલેગી, કિસાન વિરોધી સરકાર નહી ચલેગી, નહી ચલેગી સહિતના જારદાર સૂત્રોચ્ચાર અને નારાઓ લગાવતાં લગાવતાં ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા, જેને લઇ આજે વિધાનસભાના સત્ર દરમ્યાન જારદાર રીતે વાતાવરણ ગરમાયું હતું.
આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન ક્રમાંક બેમાં કોંગ્રેસના ધારાસભ્ય જીવાભાઇ ભુરીયાએ પાક વીમા મુદ્દે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને કેટલો પાક વીમો આપ્યો તેની પૃચ્છા કરતા હતા એ વખતે ખુદ રાજયના કૃષિપ્રધાન આર.સી.ફળદુ વીમા કંપનીઓએ ખેડૂતો સાથે મજાક કરી છે તેવું બોલવા જતા હતા
ત્યારે ખુદ વિધાનસભા અધ્યક્ષે આ પ્રશ્નને ઉડાવી નાંખ્યો અને આખી વાત ટાળવાનો પ્રયાસ કર્યો હતો, કૃષિમંત્રીએ ટૂંકમાં જવાબ આપ્યા બાદ વિધાનસભા અધ્યક્ષે આગળની કાર્યવાહી શરૂ કરી દેતા વિપક્ષ કોંગ્રેસના સભ્યો ખૂબ રોષે ભરાયા હતા અને ખેડૂતોના પાક વીમા મુદ્દે ચર્ચા જરૂરી હોવાનું જણાવી સૂત્રોચ્ચાર સાથે હંગામો ને હોબાળો ગૃહમાં મચાવ્યો હતો.
વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર, ગેની બહેન ઠાકોર, લલિત કગથરા, સી.જે.ચાવડા સહિતના ધારાસભ્યોએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં વીમા કંપનીઓને પ્રીમિયમ પેટે રૂ.૫૮ અબજ ૬૩ કરોડ ૧૩ લાખ ૫૨ હજાર ૧૪૮ રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવાઈ છે. જેની સામે ખેડૂતોને બે વર્ષમાં માત્ર રૂ. ૨૮ અબજ ૯૨ લાખ ૮૦ લાખ ૫૪ હજાર ૬૩૧ જ ચૂકવાયા છે. આમ, વીમાકંપનીઓ દ્વારા માંડ અડધી રકમ ખેડૂતોને પાક વીમા પેટે ચૂકવાઇ છે.
હજુ પણ રાજયના ૨૩,૬૦૧ ખેડૂતોને પાક વીમો ચૂકવવાનો બાકી છે, જે સ્પષ્ટ કરે છે સરકાર ખેડૂતોના પાક વીમાને લઇ ગંભીર નથી અને વીમા કંપનીની મિલીભગતમાં તે ખેડૂતો સાથે ક્રૂર મજાક કરી રહી છે. ભાજપ સરકાર પાક વીમા ખેડૂતોને પાક વીમો મળવો જાઇએ તે તો નથી આપતાં પરંતુ આ સંવેદનશીલ મુદ્દાને લઇ વિધાનસભા ગૃહમાં ચર્ચા પણ નથી કરતાં.
પાક વીમાના પ્રશ્નને લઇ ચર્ચા અત્યંત જરૂરી હતી, રાજયના ખેડૂતો અને કૃષિક્ષેત્રના હિતમાં પાક વીમાની ચર્ચા જરૂરી હોવાછતાં સરકાર આ મુદ્દાનો સામનો કરવામાંથી બચી રહી છે. કારણ કે, રાજય સરકાર અને વીમા કંપનીની મિલીભગતનો પર્દાફાશ થાય તેમ છે. ખેડૂતોએ ૨૦૧૮માં રૂ.૩૯૮.૫૩ કરોડનું પ્રીમીયમ વીમા કંપનીઓને ચૂકવ્યું છે. રાજય અને કેન્દ્ર સરકારે ૨૦૧૮માં રૂ.૨૭૪૬ કરોડ પ્રીમીયમ વીમાકંપનીઓને ચૂકવ્યું, જયારે ૨૦૧૯માં રૂ.૩૧૧૪ કરાડોનું પ્રીમીયમ વીમાકંપનીઓને ચૂકવાયું. ખેડૂતો દ્વારા નિયમિત રીતે પ્રીમીયમ ભરાયુ હોવાછતાં ખેડૂતોને તેમના હકનો પાક વીમો કેમ ચૂકવાતો નથી.
ખેડૂતોને પાક વીમો નહી ચૂકવનારી વીમા કંપનીઓ સામે ભાજપ સરકાર શા માટે આકરા પગલાં ભરતી નથી. વાસ્તવમાં, રાજય સરકાર વીમા કંપનીઓને છાવરી રહી છે. કોંગ્રેસે સરકાર પર ખેડૂતો પ્રત્યે અસંવેદનશીલતાનો આક્ષેપ મૂકી વોકઆઉટ કર્યું હતું અને વિધાનસભા અધ્યક્ષ તેમ જ ભાજપ સરકાર વિરૂધ્ધ જારદાર સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી હતી. જા કે, બાદમાં કૃષિમંત્રી આર.સી.ફળદુએ વિપક્ષ કોંગ્રેસના સભ્યોના આક્ષેપોને ફગાવ્યા હતા અને જણાવ્યું હતુંં કે, સરકાર ખેડૂતોના પાક વીમા મુદ્દે ગંભીર છે અને ખેડૂતોને તેમાં કોઇપણ પ્રકારનો અન્યાય ના થાય તે દિશામાં જ કામ કરી રહી છે. વિપક્ષના સભ્યોના હોબાળાના કારણે પાક વીમાનો પ્રશ્ન જતો રહ્યો હોવાનો કૃષિમંત્રીએ બચાવ કર્યો હતો.