Western Times News

Gujarati News

પાગલ રોમિયોનાં લીધે યુવતીને નોકરી છોડવી પડી

પ્રતિકાત્મક

થોડા દિવસ પહેલા યુવતી સવારે પાંચેક વાગ્યે રિવરફ્રન્ટ પર દોડવા જતી હતી ત્યારે આ યુવકે તેનો પીછો કર્યો હતો

અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેડતીનાં કિસ્સા વધી રહ્યા છે. મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવતી તેના ઘર પાસે રહેતા રોમિયોનાં લીધે ઘરની બહાર પણ નીકળી શકતી નહોતી.

યુવતીને આ એકતરફી પ્રેમમાં પાગલ રોમિયોના લીધે નોકરી પણ છોડવી પડી અને મોર્નિંગ વોક કરવાનું પણ બંધ કરવું પડ્યું હતું. આખરે હિંમત કરીને રોમિયોનાં ત્રાસથી બચવા આ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા હવે આખો મામલો પોલીસ તપાસમાં પહોંચ્યો છે. શહેરના દાણીલીમડામાં ૨૦ વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે.

પરિવારમાં માતા પિતા અને ભાઈ છે. યુવતીના ઘરની પાસે બળદેવ ઉર્ફે બલ્લુ રહે છે. આ યુવતી થોડા સમય પહેલા આઈ.આઈ.એમ વસ્ત્રાપુર પાસે પ્રાઇવેટ નોકરી કરતી હતી. જ્યારે સવારે આ યુવતી ઘરેથી નોકરી જવા માટે નીકળે ત્યારે આ બળદેવ તેનો પીછો કરતો અને નોકરીના સ્થળ સુધી જતો અને બાદમાં આ યુવતીને ટગર ટગર જાેયા કરતો હતો.

કંટાળીને આ યુવતીએ નોકરી પણ છોડી દીધી અને બદનામીના ડરથી તેના માતા પિતાને આ અંગેની જાણ પણ કરી નહોતી. થોડા દિવસ પહેલા યુવતી સવારે પાંચેક વાગ્યે રિવરફ્રન્ટ પર દોડવા જતી હતી. ત્યારે આ બળદેવે તેનો પીછો કર્યો હતો. જેનાથી આ યુવતી ગભરાઈ ગઈ હતી.

બાદમાં બીજે દિવસે પણ રિવરફ્રન્ટ પર યુવતી દોડવા ગઈ ત્યારે પણ આ બળદેવ તેની પાછળ છેડતી કરવાના ઇરાદે જતો હતો. ત્યારે આ બળદેવ એ યુવતીને રોકી અને પ્રેમ સંબંધ રાખવા જણાવ્યું હતું. પણ યુવતીએ પ્રેમ સંબંધ રાખવા મનાઈ કરી હતી. આખરે ગભરાયેલી યુવતીએ કંટાળીને તેના માતા પિતાને આ અંગે જાણ કરી હતી.

પરિવારજનોએ હિંમત આપતા આખરે યુવતીએ આ અંગે પોલીસને જાણ કરતા દાણીલીમડા પોલીસે આરોપી બળદેવ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.