Western Times News

Gujarati News

પાછલા અઠવાડિયામાં અગાઉ કરતા ૬૭% વધુ કોરોનાના કેસ નોંધાયા

Files Photo

નવી દિલ્હી: દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસ ચિંતાનું કારણ બની રહ્યા છે. અત્યાર સુધીમાં પાછલા અઠવાડિયા દરમિયાન ભારતમાં સૌથી ઝડપથી કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાયો છે, પાછલા અઠવાડિયામાં અગાઉના અઠવાડિયા કરતા ૧ લાખ વધુ નવા કેસ નોંધાયા છે, જેની ટકાવારી ૬૭% થાય છે. આ દરમિયાન વાયરસના કારણે મૃત્યુઆંકમાં ૯ અઠવાડિયા પછી ૪૧%નો ઉછાળો નોંધાયો છે. પાછલા અઠવાડિયામાં કોરોનાના કારણે ૧,૨૩૯ લોકોએ જીવ ગુમાવ્યો છે.

જાેકે, અગાઉની જેમ જ નવા કેસની સરખામણીમાં મૃત્યુઆંક ઘણો નીચો રહ્યો છે. દેશમાં પાછલા અઠવાડિયા (૧૫-૨૧ માર્ચ) દરમિયાન ૨.૬ લાખ નવા કેસ નોંધાયા છે, જ્યારે આ પહેલાના અઠવાડિયામાં ૧.૫૫ લાખ નવા કેસ નોંધાયા હતા. આ અત્યાર સુધીનો દેશમાં કોરોનાના કારણે નોંધાયેલો સૌથી મોટો ઉછાળો છે. આ પહેલા ૨૦-૨૬ જુલાઈ દરમિયાન ૩૪%નો ઉછાળો નોંધાયો હતો. જ્યારે જૂના અઠવાડિયાની સરખામણીમાં લગભગ ૮૦,૦૦૦ જેટલા વધુ કેસ નોંધાયા હતા.

રવિવારે દેશમાં નવા ૪૭,૦૪૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ૧૩૦ દિવસ પછી એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાયા છે. આ અગાઉ ૧૧ નવેમ્બરના રોજ આટલા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ ૩૦,૫૩૫ નવા કેસ નોંધાયા છે. ૧૩ જાન્યુઆરી પછી પહેલીવાર એક દિવસમાં નોંધાનારા મૃત્યુઆંક ૨૦૦ને પાર ગયો છે, પાછલા ૨૪ કલાકમાં ૨૧૩ લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે, આ પહેલા ૭૨ દિવસ અગાઉ એક સામટા આટલા કેસ નોંધાયા હતા.

૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૯૯ લોકોના જીવ ગયા છે, આ પછી પંજાબમાં ૪૪, કેરળમાં ૧૩, છત્તીસગઢમાં ૧૦ અને તામિલનાડુમાં ૯ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આંકડા પ્રમાણે પાછલા અઠવાડિયામાં દેશમાં નોંધાયેલા નવા ૨,૬૦,૫૧૮ કેસમાંથી ખાલી મહારાષ્ટ્રમાં જ ૧,૬૫,૨૬૯ કેસ નોંધાયા છે.

આખા ફેબ્રુઆરી મહિનામાં મહારાષ્ટ્રમાં જેટલા કેસ નથી નોંધાયા તેનાથી વધુ તો પાછલા અઠવાડિયામાં નોંધાયા છે, ત્યારે રાજ્યમાં ૧,૨૮,૬૭૧ કેસ નોંધાયા હતા. આ સાથે મુંબઈમાં પણ રવિવારે એક દિવસના સૌથી વધુ ૩,૭૭૯ કેસ નોંધાયા છે. રવિવારે દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ ઉછાળા સાથે કેસ નોંધાયા છે. જેમાં પંજાબમાં ૨,૬૬૯ નવા કેસ નોંધાયા, જે ૧૭ સપ્ટેમ્બરે રાજ્યમાં નોંધાયેલા ૨,૮૯૬ કેસની નજીક છે. ગુજરાતમાં એક દિવસમાં વધુ ૧,૫૮૦ નવા કેસ નોંધાયા છે, આ નવેમ્બર ૨૮ પછી નોંધાયેલા સૌથી વધુ કેસ છે,

જ્યારે મધ્યપ્રદેશમાં ૮ ડિસેમ્બર પછી ૧,૩૨૨ નવા કેસ નોંધાયા છે. તામિલનાડુમાં ૧૪ ડિસેમ્બર બાદ સૌથી વધુ ૧,૨૮૯ નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં ક્રિસ્મસની સાંજ બાદ સૌથી વધુ ૮૨૩ કેસ નોંધાયા છે. આ સિવાય કેરળ (૧,૮૭૫), કર્ણાટકા (૧,૭૧૫), છત્તીસગઢ (૧,૦૦૦), ઉત્તરપ્રદેશ (૪૯૬) અને રાજસ્થાનમાં (૪૭૬) મોટો ઉછાળો નોંધાયો છે. કર્ણાટકામાં અગાઉના અઠવાડિયે નોંધાયા હતા તેના કરતા પાછલા અઠવાડિયામાં ૯૦૦૦ કરતા પણ વધુ કેસ નોંધાયા છે, જે પાછલા અઠવાડિયા કરતા લગભગ ડબલ છે. ગુજરાતમાં ૭ દિવસમાં કોરોનાના નવા કેસમાં ૮૨%નો ઉછાળો નોંધાયો છે- દિવાળી પછી અહીં નોંધાયેલા કેસ બાદ સૌથી મોટો ઉછાળો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.