પાછલા સાત દિવસમાં કોરોના વાયરસના નવા કેસ ૭.૫% વધ્યા
નવી દિલ્હી: કોરોના વાયરસના નવા કેસમાં ૧૧ અઠવાડિયાના ઘટાડા બાદ ૧૨માં અઠવાડિયામાં ઉછાળો નોંધાયો છે. મે પહેલા બીજી લહેર નબળી પડ્યા પછી નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો તેમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. નવા કેસની સંખ્યામાં ફરી આવેલા ઉછાળાના લીધે ત્રીજી લહેરના ભણકારા વાગવાના શરુ થઈ ગયા છે. હાલના સમયમાં મુખ્યત્વે ઉછાળો કેરળમાં જાેવા મળી રહ્યો છે. આ સિવાય કર્ણાટકા અને તામિલનાડુમાં પણ વધારો નોંધાયો છે. રવિવારે પૂર્ણ થયેલા અઠવાડિયા (જુલાઈ ૨૬થી ૧ ઓગસ્ટ) દરમિયાન નવા કેસ ૨.૮૬ હજારથી વધારે નોંધાયા છે, જેમાં પાછલા અઠવાડિયા કરતા ૭.૫%નો વધારો નોંધાયો છે, આ પહેલાના અઠવાડિયામાં કુલ ૨.૬૬ લાખ કેસ નોંધાયા હતા. ૩થી ૯ મેના અઠવાડિયા પછી પહેલીવાર ભારતમાં અઠવાડિયા દરમિયાનના કેસમાં ઉછાળો નોંધાયો છે, આ પહેલાના અઠવાડિયા સુધી નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો.
ભારતમાં તમામ રાજ્યો કરતા કેરળમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે, ગઈકાલે પૂર્ણ થયેલા અઠવાડિયા દરમિયાન અહીં ૧.૪ લાખ કેસ નોંધાયા છે, આ પહેલાના અઠવાડિયે અહીં ૧.૧ લાખ કેસ નોંધાયા હતા, એટલે કે ૨૬.૫%નો ઉછાળો નોંધાયો છે. આમ જાેવા જઈએ તો પાછલા અઠવાડિયામાં ભારતમાં નોંધાયેલા કુલ કેસમાંથી અડધા અડધ જેટલા કેસો કેરળમાં જ નોંધાયા છે, અહીં રોજના સરેરાશ ૨૦ હજાર કેસ નોંધાયા છે. કેરળમાં રવિવારે ૨૦,૭૨૮ કેસ નોંધાયા છે.
અતત ૬ દિવસથી અહીં ૨૦ હજાર કરતા વધારે કેસ નોંધાઈ રહ્યા છે. તેના પાડોશી રાજ્ય કર્ણાટકમાં પણ પાછલા અઠવાડિયા કરતા તાજેતરમાં પૂર્ણ થયેલા અઠવાડિયામાં નવા કેસમાં ૧૭.૩%નો ઉછાળો નોંધાયો છે. કર્ણાટકામાં પાછલા અઠવાડિયામાં નવા ૧૨,૪૪૨ કેસ નોંધાયા છે, જ્યારે એ પહેલાના સાત દિવસ દરમિયાન ૧૦,૬૧૦ કેસ નોંધાયા હતા. જ્યારે તામિલનાડુમાં પાછલા અઠવાડિયે જેટલા કેસ નોંધાયા હતા તેટલા જ કેસ તાજેતરમાં પૂર્ણ થયેલા અઠવાડિયા દરમિયાન નોંધાયા છે. એટલે કે અહીં ગઈકાલે પૂર્ણ થયેલા અઠવાડિયામાં ૧૩,૦૯૦ અને તે પહેલાના અઠવાડિયામાં ૧૩,૦૯૫ કેસ નોંધાયા હતા. અહીં ૯ અઠવાડિયા સુધી નવા કેસમાં ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર ઉછાળો નોંધાઈ રહ્યો છે.
આ તરફ મહારાષ્ટ્રમાં પાછલા અઠવાડિયા કરતા નવા કેસમાં ૬.૨%નો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં અગાઉના અઠવાડિયામાં ૪૮,૨૫૩ કેસ નોંધાયા હતા જ્યારે પાછલા અઠવાડિયામાં ૪૫,૨૭૨ કેસ નોંધાયા હતા. આ સિવાય નોર્થઈસ્ટમાં પણ કેસમાં વધારો થયા બાદ પાછલા અઠવાડિયામાં ઘટાડો જાેવા મળ્યો છે. રવિવાર સુધીમાં છેલ્લા ૬ દિવસથી ભારતમાં કોરોનાના નવા કેસનો આંકડો ૪૦,૦૦૦ને પાર જઈ રહ્યો છે. ભારતમાં પાછલા અઠવાડિયા દરમિયાન ૩,૮૦૫ મોત નોંધાયા છે, જેમાં અગાઉના અઠવાડિયામાં નોંધાયેલા ૬૮૪૮ કેસ સામે ૪૪%નો ઘટાડો નોંધાયો છે.