પાટણઃ જાનૈયા નાચવામાં વ્યસ્ત હતા અને ઘોડા વરરાજાને લઈને ભાગી ગયો!
પાટણ: લગ્નનમાં વરરાજાને ઘોડા પર બેસાડીને સરઘસ કાઢવાનો રિવાજ છે. આ દરમિયાન અનેક વખત વરરજા ઘોડા પરથી નીચે પટકાયા હોવાના બનાવો સામે આવતા રહે છે. હવે પાટણ જિલ્લામાં એક ઘોડો વરરાજાને લઈને ભાગી ગયાનો બનાવ બન્યો છે.
જાનૈયા જ્યારે નાચવામાં વ્યસ્ત હતા ત્યારે જ આ બનાવ બન્યો હતો. આ અંગેની વીડિયો પણ સામે આવ્યો છે. ઘોડો વરરાજાને લઈને એક કિલોમીટર દૂર પહોંચી ગયો હતો.
આ બનાવવામાં વરરાજા ઘોડા પરથી નીચે પટકાતા સામાન્ય ઈજા પણ પહોંચી છે. હાલ જિલ્લામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો જાેઈને હસી પણ રહ્યા છે અને સાથે સાથે બનાવને ખૂબ જ ગંભીર પણ ગણાવી રહ્યા છે. બનાવ બાદ વરરાજાને લગ્નના માંડવાને બદલે હૉસ્પિટલ લઈ જવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી.
એક તરફ ‘વીરા વિરલ તારી ઉંમર છે થોડી, નાની ઉંમરમાં ચડવું છે ઘોડી’ ગીત વાગી રહ્યું હતું અને જાનૈયા ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. બીજી તરફ ઘોડો પણ ડીજેના તાલે ઝૂમી રહ્યો હતો. અચાનક એવું કંઈક થયું કે ઘોડો વરરાજાને લઈને ભાગી ગયો હતો. બનાવ બાદ થોડીવાર માટે સન્નાટો છવાયો હતો.
મળતી માહિતી પ્રમાણે હારીજ તાલુકાના રોડા ગામ ખાતે આ બનાવ બન્યો હતો. બનાવ એવો હતો કે જાનૈયા બરાબર ઢોલ અને ડીજેના તાલમાં મશગૂલ હતા ત્યારે જ આ બનાવ બન્યો હતો. આ અંગે સામે આવેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે વરરાજા ઘોડા પર સવાર છે. એક તરફ ડીજી અને બીજી તરફ ઢોલ વાગી રહ્યો છે. વરરાજા જે ઘોડા પર સવાર હોય છે તે ઘોડો પણ ડીજેના તાલે ઝૂમી રહ્યો છે.
આ દરમિયાન એક ખાટલો પણ લાવવામાં આવે છે. વરરાજા સવાર હોય તેવી સ્થિતિમાં જ ઘોડાને ખાટલા પર ચઢાવવામાં આવે છે. ખાટલા પર ઘોડો ડીજેના તાલે ઝૂમતો નજરે પડે છે. જાેકે, આ દરમિયાન અન્ય લોકો ઝૂમી રહ્યા હોય છે. ઘોડો વરરાજાને લઈને ભાગી જતા અમુક લોકો તેમની પાછળ દોડે છે.
મળતી માહિતી પ્રમાણે ઘોડો દોડીને આશરે એક કિલોમીટર દૂર નીકળી ગયો હતો. આ દરમિયાન વરરાજા ઘોડા પરથી નીચે પટકાયા હતા. મળતી માહિતી પ્રમાણે નીચે પડવાથી વરરાજાને સામાન્ય ઈજા પહોંચી હતી.