પાટણના ખાનપુર કોડી ખાતે સોઈલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ
ખેડૂત તાલીમ શિબિરમાં સંકલિત પોષણ વ્યવસ્થાપન, ખાતરના ઉપયોગ અને વિવિધ કૃષિલક્ષી યોજનાકીય લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું
પાટણ:પાટણ તાલુકાના ખાનપુર કોડી ખાતે નેશનલ મિશન ફોર સસ્ટેઈનેબલ એગ્રીકલ્ચર હેઠળ સોઈલ કાર્ડ યોજના અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં કૃષિ ક્ષેત્રના વિવિધ નિષ્ણાંતો દ્વારા કૃષિ પાકોના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય તે માટે પોષક તત્વો, ખાતરનું મહત્વ અને સોઈલ હેલ્થ કાર્ડના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડાના પ્રાધ્યાપકશ્રી ડૉ.બી.બી.પટેલ દ્વારા ખેડૂત શિબિરમાં હાજર રહેલા ખેડૂતોને જુદા જુદા પોષક તત્વોનો પાક ઉત્પાદન વધારવામાં ફાળો, જમીન આરોગ્ય પત્રકના હેતુ માટે જમીનના નમૂના લેવાની યોગ્ય પદ્ધતિ અને સોઈલ હેલ્થ કાર્ડનું મહત્વ તેમજ ખેતી પાકોમાં સંકલિત પોષણ વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વધુમાં સેન્દ્રિય અને જૈવિક ખાતરોનું પાક ઉત્પાદનમાં મહત્વ વિષે પણ માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે સમોડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણ નિષ્ણાંતશ્રી જી.એ.પટેલ દ્વારા ખેતી પાકોમાં જમીનજન્ય રોગ અને તેના વ્યવસ્થાપન તેમજ સંકલિત જીવાત વ્યવસ્થાપન, જીવામૃત અને બીજામૃત બનાવવાની પદ્ધતિ તથા તેના ફાયદાઓ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ખેડૂત તાલીમ શિબિરમાં કૃભકોના ક્ષેત્રીય પ્રતિનિધીઓ દ્વારા સીટી કમ્પોસ્ટ, પ્રવાહી જૈવિક ખાતર અને નેનો ફર્ટીલાઈઝર્સ વાપરવાની ભલામણ કરી હતી. આ ઉપરાંત પાકની જરૂરીયાત અને જમીન આરોગ્ય પત્રકની ભલામણ મુજબ ખાતરનો ઉપયોગ કરી કૃષિ ખર્ચમાં ઘટાડો કરવા અનુરોધ કર્યો હતો. મદદનીશ ખેતી નિયામકશ્રી એચ.બી.પટેલ દ્વારા ખેડૂતોને યોજનાકીય લાભોની માહિતી આપી વિવિધ ખેતીલક્ષી પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.
વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે રાજ્ય સરકાર દ્વારા કૃષિ ખર્ચમાં ઘટાડો કરી વધુ પાક ઉત્પાદન માટે કૃષિલક્ષી સેવાઓ અને વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવી રહ્યા છે ત્યારે આ તાલીમ શિબિરમાં આપવામાં આવેલા માર્ગદર્શન થકી ખેડૂતો વધુ કૃષિ ઉત્પાદન મેળવી શકશે.