પાટણના બાલીસણાના વતનીએ 48 લાખનું સોનું અંબાજી મંદિરમાં દાન આપ્યું

પ્રતિકાત્મક
અંબાજીમાં માઈ ભક્તનું ૪૮ લાખના ૧ કિલો સોનાનું દાન -માર્ચ મહિનામાં પણ એક દાતાએ માતાજીના શિખર માટે ૧ કિલો ૧૦૦ ગ્રામ સોનું અંબાજી મંદિરને દાન કર્યું હતું
અંબાજી, શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઈભક્તે ૪૮ લાખની કિંમતનું એક કિલોગ્રામ સોનું દાન કર્યું છે. શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે ચાવડાના જણાવ્યા અનુસાર, પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા મહેન્દ્ર પટેલ અને હર્ષદ પટેલ તરફથી ૪૮ લાખની કિંમતનું એક કિલો સોનું સુવર્ણ શિખર માટે મંદિરમાં ભેટમાં મળ્યું છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ પવિત્ર કેન્દ્ર છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
માઈભક્તોના દાનની સરવાણી વડે અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. ૬૧ ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં ૧૪૦ કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યંે છે.
આ દરમિયાન ઘણાં માઈભક્તો સોના અને ચાંદીનું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરી ચૂક્યા છે. દાતાઓ દ્વારા દાન આપવાનો પ્રવાહ અવિરત ચાલુ જ છે. અહેવાલો અનુસાર માર્ચ મહિનામાં પણ એક દાતાએ માતાજીના શિખર માટે ૧ કિલો ૧૦૦ ગ્રામ સોનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને દાન કર્યું હતું.
માતાજીના દર્શને દુનિયાભરમાંથી ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂરી થતાં હરખભેર માતાજીના મંદિરમાં ખુલ્લા દિલથી દાન આપતા હોય છે. મા અંબાના મંદિરનું શિખર ગુજરાત જ નહીં સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેંદ્ર માટે વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.