પાટણના ૮૬ વર્ષીય વડીલનો કોરોના પ્રતિરોધક રસી પ્રત્યેનો વિશ્વાસ
રસી સંપૂર્ણ રીતે સલામત છે, તમામ લોકોએ રસી લેવી જોઇએ – ગોવિંદભાઈ સોની
પાટણ, ગત વર્ષે શરૂ થયેલી કોરોના વાયરસ મહામારી સામે રક્ષણ આપતી રસી શોધાઇ ગઇ છે. ત્યારે રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પાટણના ૮૬ વર્ષીય વડિલે રસીનો પ્રથમ ડોઝ લઇ તે સંપૂર્ણ સલામત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
રસી લીધા બાદ ૮૬ વર્ષીય વડિલ ગોવિંદભાઇ સોની જણાવે છે કે, આજે મેં રસીનો પહેલો ડોઝ લીધો છે. રસી લીધાને અડધો કલાક કરતાં વધુ સમય વીત્યો હોવા છતાં મને કોઇ પણ પ્રકારની આડઅસર કે તકલીફ થઇ નથી. એટલે કે રસી સંપૂર્ણ રીતે સલામત છે. હું તમામ વરિષ્ઠ નાગરિકોને રસી લેવા માટે અપીલ કરૂં છું.
પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લેનારા ગોવિંદભાઇ સોની તેમના પુત્ર સાથે રસી લેવા આવ્યા હતા. રસી લીધા બાદ નિરીક્ષણ કક્ષમાં અડધો કલાકથી વધુ સમય વિતાવ્યા બાદ પણ તેમને કોઈ શારીરિક તકલીફ જણાઈ ન હતી.
ઉલ્લેખનીય છે કે, તા.૦૧ માર્ચથી શરૂ કરવામાં આવેલા વરિષ્ઠ નાગરીકોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તા.૧૮ માર્ચ સુધી જિલ્લાના કુલ ૨૬,૨૬૪ જેટલા વરિષ્ઠ નાગરીકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.