પાટણમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ૧૨,૦૦૦થી વધુ રોપાનું વાવેતર
પાટણ જિલ્લાની ૫૧ પ્રાથમિક શાળાઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
પાટણ, પાટણજિલ્લામાં જળશક્તિ અભિયાન અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા પાણી અને પર્યાવરણ બચાવવા માટે ખૂબ જ મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વન વિભાગના સહયોગથી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પાટણ જિલ્લાની ૫૧ પ્રાથમિક શાળાઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા.
પાટણ વન વિભાગના નાયબ સંરક્ષકશ્રી જે.એસ.રાજપૂતના માર્ગદર્શનમાં પાટણ વન વિભાગ સાથે સંકલન કરી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રાધનપુર તાલુકાની ૦૯, સાંતલપુર તાલુકાની ૦૬, સમી તાલુકાની ૧૧, શંખેશ્વર તાલુકાની ૧૦, પાટણ તાલુકાની ૦૩, સરસ્વતી તાલુકાની ૦૪, ચાણસ્મા તાલુકાની ૦૩ અને સિદ્ધપુર તાલુકાની ૦૫ શાળાઓ મળી પાટણ જિલ્લાની ૫૧ પ્રાથમિક શાળાઓ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્રજલાલ રાજગોરની આગેવાનીમાં વિવિધ ટીમો બનાવી વૃક્ષારોપણની સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ સાથે માર્ગદર્શન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના ૦૮ તાલુકાઓની ૫૧ શાળાઓમાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના બાળકો, શિક્ષકો, ગામના આગેવાનો સહિતના લોકોએ શાળાઓમાં ૪,૨૫૦ જેટલા વૃક્ષો વાવ્યા હતા. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં ૦૮ હજારથી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશનની સહયોગી સંસ્થા વસુંધરા ફાઉન્ડેશન તથા અન્ય સહયોગી કાર્યકર્તાઓ દ્વારા જળશક્તિ અભિયાનને વેગ આપવા મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરી શાળાના બાળકો અને શિક્ષકો તથા ગ્રામજનોએ પર્યાવરણ સંવર્ધનમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
જળશક્તિ અભિયાન અંતર્ગત લોકોમાં જળસંચય તથા પર્યાવરણ સંવર્ધન અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જિલ્લાના ૦૮ તાલુકાઓમાં ગ્રામસભાઓ, મહિલા મિટીંગો તેમજ ખેડૂતો સાથે બેઠક યોજી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓના માધ્યમથી લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.