પાટણ અને સિદ્ધપુર શહેરના ૧૨ સ્થળોએ શરૂ કરવામાં આવ્યા મહોલ્લા ક્લિનિક
મહોલ્લા ક્લિનિકમાં આવનાર લોકોએ તકેદારીના ભાગરૂપે એકબીજા વચ્ચે સલામત અંતર જાળવીને દર્શાવી સમજદારી
પાટણ, પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસ સંક્રમણના નિયંત્રણ માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આરોગ્ય કેન્દ્રોની સાથે સાથે સાંજના સમયે શહેરના લોકોને નાની-મોટી બિમારીના તાત્કાલીક સારવાર મળી રહે તે માટે મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવ્યા.
કોરોના વાયરસ સંક્રમણના જોખમ વચ્ચે ઋતુગત ફેરફારોના કારણે સિઝનલ ફ્લુ સહિતની નાની-મોટી બિમારીઓનું ઝડપથી નિદાન થઈ શકે તે માટે પાટણ અને સિદ્ધપુર શહેરના ૧૨ જેટલા સ્થળોએ અર્બન હેલ્થ સેન્ટર કે મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે. પાટણ શહેરની ૧૦ શાળાઓ અને સિદ્ધપુર શહેરના ૦૨ આંગણવાડી કેન્દ્રો ખાતે સાંજે ૦૫ વાગ્યાથી રાત્રીના ૦૯ વાગ્યા સુધી આ મહોલ્લા ક્લિનિક્સ કાર્યરત રહેશે.
COVID-19 થી રક્ષણ મેળવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે તકેદારી. આ વાતને સુપેરે સાબિત કરી પાટણની નાણાવટી શાળાના મહોલ્લા ક્લિનિક ખાતે પ્રાથમિક સારવાર માટે આવેલા લોકોએ. મહોલ્લા ક્લિનિક આગળ તપાસ-નિદાન માટે પોતાનો વારો આવે તેની પ્રતિક્ષા કરતાં લોકોએ તકેદારીના ભાગરૂપે એકબીજા વચ્ચે સલામત અંતર રાખી પોતાની સામાજીક જવાબદારી અદા કરી.
પાટણ શહેરમાં ક્યાં શરૂ કરાયા મહોલ્લા ક્લિનિક
- ગોપાલ ભુવન પ્રાથમિક શાળા
- ધીમટો પ્રાથમિક શાળા
- ઠક્કરબાપા પ્રાથમિક શાળા
- બી.ડી.હાઈસ્કુલ
- ઉદય કુમાર શાળા
- નાણાવટી સ્કુલ
- શિશુ મંદિર શાળા
- શ્રમજીવી પ્રાથમિક શાળા
- આદર્શ હાઈસ્કુલ
- ગાંધી સુંદરલાલ પ્રાથમિક શાળા
સિદ્ધપુર શહેરમાં ક્યાં શરૂ કરાયા મહોલ્લા ક્લિનિક
- માયાનગર આંગણવાડી કેન્દ્ર નં.1
- બરફની આંગણવાડી કેન્દ્ર નં.૩