પાટણ, કુલપતિની માનસિકતા સામે સવાલ, દારૂનુ મહિમામંડન કર્યુ
પાટણ સ્થિત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ અગાઉના વર્ષોએ દારૂના મહિમામંડન કરતી પોસ્ટ ફેસબુકમાં શેર કરી હતી. જેને ફરીથી 31 ડીસેમ્બરે શેર કરી હોવાનું જાણી ધારાસભ્ય અને સ્થાનિક શિક્ષણ કાર્યકરોએ કલેક્ટરને રજૂઆત કરી છે. કુલપતિની માનસિકતા સામે ગંભીર સવાલો ઉભા કરી તાત્કાલિક ધોરણે તમામ સરકારી પદ ઉપરથી દૂર કરવા માંગ કરી છે. કુલપતિની ગરિમા જોતા ઇન્ચાર્જ તરીકે આવેલ અનિલ નાયક દારૂ સામે નતમસ્તક હોવાની પુષ્ટિ અગાઉની પોસ્ટ દ્રારા થાય છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ અનિલ નાયક ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. ગત વર્ષ 2013માં અનિલ નાયકે પોતાના ફેસબુક પેજ ઉપર દારૂના વખાણ કરતી કવિતા સ્વરૂપની પોસ્ટ મુકી હતી. જેને ફરીથી શેર કરવા માટે ફેસબુકે નિયમોનુસાર પુછતા 31 ડીસેમ્બર ર૦૧૯ના દિવસે ઇન્ચાર્જ કુલપતિ અનિલ નાયકે ઓકે કર્યુ હતુ. આથી દારૂનું મહિમામંડન કરતી કુલપતિની પોસ્ટ વિશે આ તમામ વિગતો મેળવી ધારાસભ્ય કીરીટ પટેલે ગંભીર સવાલો ઉભા કર્યા છે સમગ્ર બાબતે યુનિવર્સિટી બચાવોના કાર્યકરોએ કલેક્ટરને રજૂઆત કરી હોદ્દા પરથી દૂર કરવાની માંગ કરી છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઇન્ચાર્જ કુલપતિ અનિલ નાયકે અગાઉ કરેલી પોસ્ટમાં દારૂના ભરપુર વખાણ કરી તેના નતમસ્તક થતા હોય તેવા શબ્દો લખ્યા છે. જેમાં ગુરૂ રમ, ગુરૂ વિસ્કી, ગુરૂ વોડકા, જીનેશ્વરા, પરમ બ્રાન્ડી જેવા લખાણ લખી ગુજરાતમાં દારૂબંધી છતાં પ્રોત્સાહન આપવાનુ તેમજ મહાન શબ્દ ગુરૂ દારૂ સાથે જોડી ધાર્મિક લાગણી દુભાવી છે. સૌથી મોટી વાત એ છે કે, ઇન્ચાર્જ કુલપતિ ભલે સોશિયલ મિડીયામાં કરેલી પોસ્ટથી ગુનેગાર સાબિત ન થાય પરંતુ શિક્ષણના અત્યંત મહત્વના પદે બેઠેલા અનિલ નાયકની માનસિકતા જોખમી છે કે કેમ ? તે સવાલ છે.