Western Times News

Gujarati News

પાટણ ખાતે સરસ્વતી નદીના કિનારે કારગીલ વિજય વનના નિર્માણ થકી વિર શહિદોને હરિત વિરાંજલી

 

 

 

 

 

 

 

 

 

(માહિતી બ્યુરો)પાટણ, પાટણ ખાતે નિર્માણ પામનાર સહસ્ત્ર તરૂ વનના પ્રથમ તબક્કામાં ૧૧,૧૧૧ વૃક્ષોના વાવેતર દ્વારા કારગીલના યુદ્ધમાં શહિદ થનાર વિર જવાનોને પાટણ ખાતે હરિત વિરાંજલી આપવામાં આવી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા સરસ્વતી નદીના કિનારે કારગીલ વિજય વન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

કારગીલ વિજય વન ખાતે વૃક્ષારોપણ કરતાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, અલગ અલગ સ્થળોએ વૃક્ષારોપણ બાદ તેના જતનના અભાવે અપેક્ષિત પરિણામ મળતું નથી. તેના બદલે ચોક્કસ સ્થળ નક્કી કરી એકસાથે મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર થાય તે માટે અહીં પ્રથમ તબક્કામાં ૧૦ હજારથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન છે. વધુમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, ઘટી રહેલા ગ્રીન કવરને કારણે જોખમાયેલા બાયોડાયવર્સિટીના સંતુલનને જાળવવા સહસ્ત્ર તરૂ વન ખાતે ૨૫ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવશે. જે રાણીની વાવ અને પટોળાની જેમ પાટણની આગવી ઓળખ ઉભી કરશે. પાટણ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, પર્યાવરણની સતત દરકાર કરતાં જિલ્લા કલેક્ટરએ આપેલા સહસ્ત્ર તરૂ વનના નિર્માણના વિચારને સાકાર કરવા જિલ્લા વહિવટી તંત્રના સંકલનમાં શહેરની સ્વૈચ્છીક સંસ્થાઓ જોડાઈ છે. પ્રબુદ્ધ નગરજનો અને તંત્રના સહયોગથી પાટણ હરિયાળું શહેર બને તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. કારગીલ વિજય દિવસ નિમિત્તે દેશની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા વિર શહિદોની યાદમાં સરસ્વતી નદીના કિનારે ૧૦ હજાર ચોરસમીટર જગ્યામાં માનવસર્જિત વન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં મિયાવાકી પદ્ધતિથી વિવિધ ૬૧ પ્રજાતિના ૧૧,૧૧૧ છોડ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. સંભવતઃ રાજ્યમાં મિયાવાકી પદ્ધતિથી નિર્માણ પામનાર આ સૌથી મોટું જંગલ હશે.

પાટણના દાતાના અનુદાન, પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન, રોટરી ક્લબ ઑફ પાટણ, આર્યાવર્ત નિર્માણ ટ્રસ્ટ સહિત શહેરની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા પાટણ જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી નિર્માણ પામનાર સહસ્ત્ર તરૂ વન ખાતે પર્યાવરણના જતન માટે સતત કાર્યરત એવા પાંચ એન્વાયરમેન્ટ વોરિયર્સને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી તેમના પ્રકૃતિ પ્રેમને બિરદાવવામાં આવ્યો. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક જે.જે.રાજપૂત, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડાૅ.જે.જે.વાૅરા, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, મામલતદાર, ચીફ ઑફિસર સહિતના અધિકારીઓ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, નગરપાલિકાના હોદ્દેદારો તથા સંગઠનના પદાધિકારીઓ સહિત પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.