Western Times News

Gujarati News

પાટણ ખાતે સૌપ્રથમ અનુસુચિત જનજાતિ (આદિવાસી) આત્મનિર્ભર સમિતિની રચના કરવામાં આવી

અનુસુચિત જનજાતિ સમાજના લોકો સુધી સરકારશ્રીની યોજનાઓના લાભ પહોંચાડવા આ સમિતિ લોકો અને જિલ્લા વહિવટી તંત્ર વચ્ચે કડીરૂપ બનશે : – મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે

માહિતી બ્યુરો, પાટણ: પાટણ શહેરમાં વસતા વનબંધુ સમાજના લોકો દ્વારા સૌપ્રથમ અનુસુચિત જનજાતિ આત્મનિર્ભર સમિતિની રચના કરવામાં આવી છે. મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ સમાજના લોકોને મદદરૂપ થવા ગઠીત કરવામાં આવેલી સમિતિની સરાહના કરી હતી.

મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વનબંધુ સમાજના કલ્યાણ માટે અમલી અનેકવિધ યોજનાઓનો લાભ સમાજના લોકો સુધી પહોંચે તે માટે જિલ્લા વહિવટી તંત્ર કટીબદ્ધ છે. સાથે જ આ સમિતિ અપેક્ષિત લાભાર્થીઓ અને વહિવટી તંત્ર વચ્ચે કડીરૂપ બનશે. જેથી સમાજના લોકો વિવિધ યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ લઈ શકે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા આત્મનિર્ભર અભિયાનના પગલે પ્રમાણમાં ઓછું શિક્ષણ ધરાવતા વનબંધુ સમાજના લોકોને અન્ય કોઈની સહાયતા વગર સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે માટે અનુસુચિત જનજાતિ (આદિવાસી) આત્મનિર્ભર સમિતિની રચના કરવામાં આવી છે. પાટણ શહેરમાં આગામી સમયમાં આદિજાતિ વસ્તી ધરાવતા વિસ્તારોમાં વિવિધ ૨૦ જેટલી અનુસુચિત જનજાતિ (આદિવાસી) આત્મનિર્ભર સમિતિની રચના કરવામાં આવશે.

અનુસુચિત જનજાતિ સમાજના આગેવાનશ્રી પ્રહલાદભાઈ ભીલે જણાવ્યું કે, સરકારશ્રી દ્વારા અનેક લાભ આપવામાં આવે છે પરંતુ સમાજમાં જાગૃતિના અભાવે ઘણા લાભાર્થીઓ તેનાથી વંચિત રહી જાય છે. ત્યારે આ સમિતિ દ્વારા અનુસુચિત જનજાતિ સમાજના લોકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તથા તેમને મળવાપાત્ર લાભો અંગે જાગૃત કરવા, અરજી તથા જરૂરી પુરાવા એકઠા કરી મદદરૂપ થશે.

આ પ્રસંગે પ્રો.ડી.બી.રાઠવા, અનુસુચિત જનજાતિ (આદિવાસી) આત્મનિર્ભર સમિતિના હોદ્દેદારો તથા આદિજાતિ સમાજના લોકો સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.