Western Times News

Gujarati News

પાટણ જિલ્લાના બાલીસણા ખાતે : સગર્ભા મહિલાઓને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું

(માહિતી બ્યુરો) પાટણ, પાટણ જિલ્લાના બાલીસણા ગામ ખાતે ધારાસભ્યશ્રી ડા. કિરીટભાઈ પટેલની ઉપસ્થિતીમાં ૮૩ જેટલી સગર્ભા મહિલાઓને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મચ્છરજન્ય રોગોનો ફેલાવો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી મચ્છરદાનીનું વિતરણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ચોમાસાની ઋતુમાં ખુલ્લી જગ્યામાં સંગ્રહ થયેલા પાણીમાં ઈંડા મુકી પેદા થતા મચ્છરો દ્વારા મેલેરીયાઅને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો ફેલાય છે. તેના પર રોક લાવવા સરકાર દ્વારા દવાયુક્ત મચ્છરદાનીઓ ફાળવવામાં આવી છે. બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાલીસણા તથા આસપાસના ગામોની ૮૩ જેટલી સગર્ભા મહિલાઓને પાટણના ધારસભ્ય ડા.કિરીટભાઈ પટેલના હસ્તે દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કઈ રીતે કરવો તેના નિદર્શન સાથે મચ્છરજન્ય રોગોથી બચવા શું તકેદારી લેવી તે વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે સગર્ભા મહિલાઓને ફરજીયાત મચ્છરદાનીનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મૅડિકલ આૅફિસરશ્રી ડા. શ્વેતાબેન પટેલ દ્વારા ઉપસ્થિત સગર્ભા મહિલાઓને યોગ્ય અને પોષણક્ષમ આહાર, રસીકરણ, કુટુંબ નિયોજનની પદ્ધતિઓ વિષે માર્ગદર્શન આપી સરકારી સંસ્થાઓમાં સુવાવડ કરાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં બાલીસણા ગામના સરપંચ મનહરભાઇ ૫રમાર, આયુષ મૅડિકલ આૅફિસર ડો. હિનાબેન પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર દિનેશભાઈ પટેલ, તલાટી કમ મંત્રી, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.