Western Times News

Gujarati News

પાટણ જિલ્લાની ગર્લ્સ ફૂટબૉલ એકેડેમીની ટીમ રાજ્યકક્ષાએ ચેમ્પિયન બની

 પાટણ: ખેલ મહાકુંભ-૨૦૧૯ની રાજ્યકક્ષાની ફૂટબૉલ સ્પર્ધામાં હિંમતનગર સ્પોર્ટ્સ એકેડેમીની ફૂટબૉલ ટીમને હરાવી પાટણ જિલ્લાની સ્પોર્ટ્સ એકેડેમીની ટીમ રાજ્યકક્ષાએ વિજેતા બની છે. રાજ્યકક્ષાએ વિજેતા બનેલી અંડર-૧૭ ગર્લ્સ ફૂટબૉલ ટીમ સિલેક્શન બાદ રાજસ્થાન ખાતે આગામી ૨૧ ઓક્ટોબરથી શરૂ થતી નેશનલ ચેમ્પિયનશીપ ઑફ સ્કુલ ગેમ્સની ફૂટબૉલ સ્પર્ધામાં ભાગ લેશે.

રાજ્ય સરકાર દ્વારા ખેલકૂદ અને રમતગમતને પ્રોત્સાહન મળે તે હેતુ પ્રતિવર્ષ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ રમતોની આંતર શાળાકીય કક્ષાથી લઈ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવે છે. ખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત રાજ્યકક્ષાની અંડર-૧૭ ગર્લ્સ ફૂટબૉલ સ્પર્ધા હિંમતનગરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાઈ હતી. જેમાં ઉત્તર ગુજરાત ઝોનમાં સમાવેશ થતી પાટણ જિલ્લાની સ્પોર્ટ્સ એકેડેમીની ગર્લ્સ ફૂટબૉલ ટીમ તથા હિંમતનગર સ્પોર્ટ્સ એકેડેમીની ટીમ વચ્ચેના મુકાબલા બાદ પાટણની ટીમ ૨-૦ થી વિજેતા બની હતી.

ખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત રાજ્યના ચાર ઝોન દીઠ ૦૨ ટીમ મળી કુલ ૦૮ ટીમોએ રાજ્યકક્ષાની ફૂટબૉલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ઝોનલ કક્ષાએ રમેલી ઉત્તર ગુજરાતની જ પાટણ તથા હિંમતનગરની સ્પોર્ટ્સ એકેડેમીની ગર્લ્સ ફૂટબૉલ ટીમ વચ્ચે અંડર-૧૭ ગર્લ્સ ફૂટબૉલની સ્ટેટ લેવલની ફાઈનલ મૅચ રમાઈ હતી.

આ મૅચમાં વિજેતા બનેલી પાટણની સ્પોર્ટ્સ એકેડેમીની ટીમ ફાઈનલ સિલેક્શન બાદ રાજસ્થાનના અજમેર ખાતે આગામી ૨૧ ઓક્ટોબરથી શરૂ થતી નેશનલ ચેમ્પિયનશીપ ઑફ સ્કુલ ગેમ્સમાં ભાગ લેશે. પસંદગીકાર તરીકે પાટણના ટ્રેનર કૉચશ્રી અનંત ચૌધરી, હિંમતનગર એસ.એ.જી.ના એક્સપર્ટ કૉચશ્રી તરૂણ રૉય અને ગુજરાત ફૂટબૉલ એસોશિએશનના સેક્રેટરીશ્રી ગુલાબસિંહ ચૌહાણ દ્વારા ફાઈનલ મૅચ રમેલી ટીમો પૈકીની ૩૦ ખેલાડીઓમાંથી ૧૮ ખેલાડીઓને સિલેક્ટ કરી નેશનલ લેવલ પર સ્પર્ધામાં ભાગ લેવા મોકલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં વિજેતા બનેલી પાટણ જિલ્લાના મહાદેવપુરા ગામની અંડર-૧૭ ગર્લ્સ ફૂટબૉલ ટીમે આ અગાઉ ચેન્નઈ ખાતે યોજાયેલી વર્ષ ૨૦૧૯-૨૦ની એસોશિએશન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. શાળામાં જ ફૂટબૉલનું પ્રશિક્ષણ મેળવી નેશનલ લેવલ પર રમી ચૂકેલી આ ટીમને વધુ સારૂ પ્રશિક્ષણ મળી રહે તે માટે તાજેતરમાં જ પાટણના સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે ગર્લ્સ ફૂટબૉલ એકેડેમી શરૂ કરવામાં આવી હતી. જેમાં મહાદેવપુરા ગામની ૫૦ જેટલી ગર્લ્સ ફૂટબોલર્સને પંજાબના પ્રશિક્ષિત કૉચ દ્વારા ફૂટબૉલની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.