પાટણ જિલ્લામાં એક જ દિવસમાં ૧,૭૯૯ લોકોને માસ્ક ન પહેરવા બદલ રૂ. ૩,૫૯,૮૦૦નો દંડ

પાટણ જિલ્લાના નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાંથી અત્યાર સુધી ૧૪,૬૧૭ વ્યક્તિઓને માસ્કના જાહેરનામાના ભંગ બદલ રૂ. ૨૯.૨૩ લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો
માહિતી બ્યુરો, પાટણ: પાટણ જિલ્લામાં વધી રહેલાના કેસને ધ્યાનમાં જાહેર સ્થળોએ ફરજીયાત માસ્ક પહેરવાના જાહેરનામાનું કડક અમલીકરણ થાય તે માટે તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લામાં તા.૦૬ જુલાઈના રોજ માસ્ક ન પહેરનારા ૧,૭૯૯ વ્યક્તિઓ પાસેથી રૂ.૩.૫૯ લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
જિલ્લાની તમામ નગરપાલિકાઓ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીના માસ્ક અંગેના જાહેરનામાનું સુચારૂ અમલીકરણ થાય તે માટે માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલવાની કામગીરી ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તા.૦૬ જુલાઈના રોજ નગરપાલિકાઓ દ્વારા ૪૦ વ્યક્તિઓ પાસેથી રૂ.૮,૦૦૦/-, ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત વિભાગ દ્વારા ૩૬ વ્યક્તિઓ પાસેથી રૂ.૭,૨૦૦/- તથા પોલીસ વિભાગ દ્વારા સૌથી વધુ ૧,૭૨૩ વ્યક્તિઓ પાસેથી રૂ.૩.૪૪ લાખ કરતાં વધુ દંડ વસુલ કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સૌથી અગત્યની બાબત ફેસ માસ્ક છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા ફરજીયાત માસ્ક પહેરવા બાબતે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાના ભંગ બદલ અત્યાર સુધીમાં પાટણ જિલ્લામાં ૧૪,૬૧૭ વ્યક્તિઓને માસ્ક ન પહેરવા બદલ રૂ.૨૯.૨૩ લાખ કરતાં વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે.
જાહેર સ્વાસ્થ્યને લગતી બાબતોને નાગરીક તરીકે સામાજીક જવાબદારીરૂપે સ્વિકારી બહાર નિકળતી વખતે ફરજીયાત માસ્ક પહેરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ જાહેર જનતાને અનુરોધ કર્યો હતો.