પાટણ જિલ્લામાં પ્રથમ દિવસે જ ૧૦ હજારથી વધુ નૉન NFSA APL-1 રેશનકાર્ડધારકોને આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાનું વિતરણ

જિલ્લાના ૧.૬૪ લાખ રેશનકાર્ડધારકોને બીજા તબક્કામાં આગામી તા.૧૨ મે સુધી અનાજ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ નિઃશુલ્ક મળશે
(માહિતી બ્યુરો, પાટણ) લોકાડાઉનના સમયમાં જીવનનિર્વાહ માટે મદદરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા નૉન NFSA APL-1 રેશનકાર્ડધારકોને આવશ્યક ચીજવસ્તુઓના વિતરણનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લાના ૧.૬૪ લાખ રેશનકાર્ડધારકો પૈકી પ્રથમ દિવસે લક્ષિત સમૂહ પૈકી ૧૦ હજારથી વધુ લાભાર્થીઓને વાજબીભાવની દુકાન પરથી આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.
જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાના કુલ ૧,૬૪,૨૫૨ નૉન NFSA APL-1 રેશનકાર્ડધારકોને વાજબીભાવની દુકાનો પરથી આવશ્યક ચીજવસ્તુઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉનના સમયગાળામાં જિલ્લાના નૉન NFSA APL-1 રેશનકાર્ડધારકોને રાશન વિતરણના આ બીજા તબક્કામાં પ્રથમ દિવસે તા.૦૭ મેના રોજ નક્કી કરવામાં આવેલા રેશનકાર્ડ નંબરના છેલ્લા બે અંક ૧ અને ૨ ધરાવતા કાર્ડધારકો પૈકી ૧૦,૪૨૩ રેશનકાર્ડ પરથી આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.
સામાજીક અંતર અને ફેસ માસ્ક સહિતની તકેદારીના પગલા સાથે વહેલી સવારથી જ વાજબીભાવની દુકાનો પર વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. રેશનકાર્ડ નંબરના છેલ્લા અંકમાં ૩ અને ૪ નંબર ધરાવતા ૩૨,૭૨૨ નૉન NFSA APL-1 રેશનકાર્ડધારકોને તા. ૦૮ મેના રોજ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાનું વિતરણ કરવામાં આવશે.