Western Times News

Gujarati News

પાટણ જિલ્લામાં માર્ગ સલામતિના નિયમોનો ભંગ કરતા ૯૯ વાહનચાલકો સામે કાર્યવાહી

ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડવા તથા ખાનગી વાહનોના ઉપયોગ સામે કાર્યવાહી ઃ સ્કુલવાનના વિદ્યાર્થીઓની સલામતિ સુનિશ્ચિત કરવા શાળાના સંચાલકો અને વાલીઓને તાકીદ
(માહિતી બ્યુરો) પાટણ, જિલ્લાના માર્ગો પર અકસ્માતોનો ઘટાડો થાય તે સુનિશ્ચિત કરવાના આયોજનના ભાગરૂપે મદદનીશ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા પાટણની શાળાઓના સંચાલકો, વિદ્યાર્થીના વાલીઓ અને સ્કુલવાનના ડ્રાઈવરો સાથે બેઠક યોજવામાં આવી હતી. સાથે સાથે રોડ ચેકીંગ દરમ્યાન પરિવહનના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

શાળાએ જતા બાળકોની પરિવહન માર્ગમાં સલામતિ જળવાય તે માટે એ.આર.ટી.ઓશ્રી જે.એસ.ઝાલા દ્વારા શહેરની ક્રિશ્ના ઈન્ટરનેશનલ પબ્લિક સ્કુલ, ઓક્સફોર્ડ ઈંગ્લિશ સ્કુલ તથા પાયોનિયર સ્કુલ આૅફ સાયન્સ ખાતે શાળાઓના સંચાલકો, વિદ્યાર્થીના વાલીઓ અને સ્કુલવાનના ડ્રાઈવરો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સ્કુલ વાનમાં બેઠક ક્ષમતા મુજબ જ બાળકોને બેસાડવા, ખાનગી વાહનોનો ઉપયોગ ન કરવા, ચાલુ વાહનના દરવાજાઓ બંધ રાખવા, વાહનને સલામત ઝડપે ચલાવવા સહિતના મુદ્દાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ઉપરાંત સ્કુલવાન ડ્રાઈવરોને વાહનના ફિટનેસ સર્ટી (પાસિંગ), વીમો, પરમીટ, પી.યુ.સી તથા ડ્રાઈવીંગ લાઈસન્સ જેવા તમામ દસ્તાવેજો નિયમાનુસાર રીન્યુ કરાવવા અને સાથે રાખવા તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સુચનાઓ આપવામાં આવી હતી.

સાથે સાથે શાળાના સંચાલકોને પોતાની શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે વપરાતા વાહનો અને ડ્રાયવર દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે બાબત સુનિશ્ચિત કરવા તથા બાળકોના વાલીઓને પણ પોતાના બાળકની માર્ગ સલામતિ જળવાય અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જાગૃતિ કેળવવા અપીલ કરવામાં આવી હતી.

હાલના દિવસોમાં પોલીસ અને આર.ટી.ઓ દ્વારા શાળાના બાળકોને લાવવા અને લઈ જવાના વાહનો પૈકી પરિવહન માર્ગ સલામતિનો ભંગ કરતા ૯૯ જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. જેમાં મુખ્યત્વે બેઠકક્ષમતા કરતાં વધારે બાળકો ભરેલા હોય અને પ્રાઈવેટ વાહનોનો ઉપયોગ કરતાં હોય તેવા વાહનો ઝડપી લઈ વાહનચાલકો સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી. આગામી દિવસોમાં આ બાબતે સતત ચેકીંગ ઝુંબેશ દ્વારા નિયમોનું પાલન ન કરનાર ડ્રાઈવરના ડ્રાઈવિંગ લાઈસન્સ અને વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય તે માટે જિલ્લાવાર રોડ સેફ્‌ટી કાઉન્સીલની રચના કરવામાં આવી છે. પાટણ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રોડ સેફ્‌ટી કાઉન્સીલની બેઠકમાં માર્ગ અકસ્માતો નિવારવા જરૂરી પગલા સહિતની કામગીરીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.