પાટણ જિલ્લામાં ૧૨ મોબાઇલ પશુ દવાખાના શરૂ થશે
પશુપાલકો ૧૯૬૨ નંબર પર કોલ કરી વિનામુલ્યે સેવા મેળવી શકશે
પાટણ જિલ્લાના પશુપાલકોને ઘેર બેંઠા વિના મુલ્યે પશુ સારવાર મળી રહે તે હેતુથી પશુપાલન વિભાગ દ્વારા ૧૦ ગામ વચ્ચે એક ફરતું પશુ દવાખાનું કાર્યરત થયેલ છે. જિલ્લા પંચાયત, પાટણના પરિસરમાં મહાનુભાવોના હસ્તે ફરતા પશુ દવાખાનાના ત્રણ મોબાઇલ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. જેનાથી (૧) લણવા, તા. ચાણસ્મા, (૨) ઉંદરા, તા. સરસ્વતી, (૩) ગોતરકા, તા. રાધનપુર એમ ત્રણ ફરતા પશુદવાખાના કાર્યરત થયેલ છે. બાકીના ૯ (નવ) ફરતાં પશુ દવાખાના હવે પછીથી ચાલુ થનાર છે.
આ મોબાઇલ પશુ દવાખાનામાં તમામ પ્રકારની પશુ સારવાર ઘર બેંઠા નિઃશુલ્ક સવારના ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી મળી રહેશે. ૧૦૮ ની જેમ આ યોજનાનો લાભ લેવા માટે ૧૯૬૨ ઉપર કોલ કરવાનો રહેશે. મોટાભાગે દરેક ખેડૂત પશુપાલક હોય છે. ખેડૂતની આવક બમણી કરવાનો સંકલ્પ છે. ત્યારે પશુઓની સંભાળ-સારવાર ઘર આંગણે ઉપલબ્ધ થતાં ખેડૂતો – પશુપાલકો દ્વારા દુધ ઉત્પાદન વધશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ,જિલ્લા પંચાયત, પાટણના પ્રમુખશ્રી વિનુભાઇ પ્રજાપતિ, સંગઠનના શ્રી કે.સી.પટેલ તથા અન્ય જિલ્લા સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. સમગ્ર પ્રોગ્રામનું આયોજન જિલ્લા પંચાયત પાટણના નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. એન.એસ.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.