પાટણ જિલ્લામાં ૨૨ જેટલા ધન્વંતરી આરોગ્ય રથ થકી ઘરઆંગણે મળશે પ્રાથમિક આરોગ્ય સેવાઓ
અંતરિયાળ વિસ્તારના લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ સ્થળ પર જ મળી રહે તે માટે આયુષ મેડિકલ ઑફિસર અને પેરામેડિકલ સ્ટાફ સાથે ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત
માહિતી બ્યુરો, પાટણ: કોરોના વાયરસના ચેપથી બચવા સતર્કતા એ જ સમજદારી છે. કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો જણાય કે તુરંત જરૂરી સારવાર શરૂ કરી શકાય તો સંક્રમણને આગળ વધતું રોકી શકાય છે. જેના પગલે જિલ્લાના નાગરીકોની આરોગ્ય અને સુખાકારીને ધ્યાને લઈ ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે.
જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે. બે આયુષ મેડિકલ ઑફિસર અને પેરા મેડિકલ સ્ટાફની ટીમ સાથે જિલ્લામાં ૨૨ જેટલા આરોગ્ય રથ કાર્યરત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારશ્રીની સુચના અન્વયે પાટણ જિલ્લાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના વાહનનો ધન્વંતરી આરોગ્ય રથ તરીકે ઉપયોગ કરી જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ ટીમો દ્વારા પ્રથમ દિવસે જ ૭૧૧ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું. જે પૈકી ૭૦૫ લોકોને સ્થળ પર જ જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી તથા અન્ય ૦૬ લોકોને વધુ સારવાર માટે નજીકના સરકારી દવાખાના ખાતે રિફર કરવામાં આવ્યા છે.
આર.બી.એસ.કે. ટીમ, એક સ્ત્રી અને એક પુરૂષ આયુષ મેડિકલ ઑફિસર અને પેરા મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા તાવ, શરદી, ઝાડા, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને ચામડીના રોગોના નિદાન કરી સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. ધન્વંતરી આરોગ્ય રથમાં ટેમ્પ્રેચર ગન, સ્ટેથોસ્કોપ, પલ્સ ઓક્સિમીટર સહિતના સાધનોની સાથે સાથે જરૂરી દવાઓ તથા ઈમ્યુનિટી બુસ્ટઅપ માટેની હોમિયોપેથિક દવાઓ અને આયુર્વેદિક ઉકાળા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.