પાટણ જિલ્લા માહિતી કચેરીના ટેકનિકલ આસિસ્ટન્ટ એસ.જી.પટેલને ભાવસભર વિદાયમાન અપાયું
માહિતી ખાતામાં ૩૬ વર્ષ સેવા બાદ વયનિવૃત્ત થનાર શ્રી પટેલને માહિતી કચેરીના સ્ટાફ દ્વારા સ્વસ્થ અને નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી
માહિતી બ્યુરો, પાટણ : પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં શ્રી એસ.જી.પટેલ વયનિવૃત્ત થતાં માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી. માહિતી ખાતામાં ૩૬ વર્ષ સેવા આપી વયનિવૃત્ત થનાર શ્રી પટેલને માહિતી કચેરીના સ્ટાફ દ્વારા સ્વસ્થ અને નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
વર્ષ ૧૯૮૪માં રાજકોટ ખાતે ટેકનિકલ સુપરવાઈઝર તરીકે સેવામાં જોડાયેલા શ્રી એસ.જી.પટેલ પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજના સાડા ચૌદ વર્ષ મળી કુલ ૩૬ વર્ષના સેવાકાળ બાદ ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે વયનિવૃત્ત થયા હતા. નાયબ માહિતી નિયામકશ્રી અમિતભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિદાયમાન સમારંભમાં કચેરીના સ્ટાફ દ્વારા શ્રી પટેલને શ્રીફળ, સાકર અને સાલ અર્પણ કરવામાં આવી. સહકર્મીઓ દ્વારા યાદગીરીરૂપે શ્રી પટેલને મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી અમિતભાઈ ગઢવીએ જણાવ્યું કે, કચેરી કામને સમયસર અને જવાબદારીપૂર્વક નિભાવનાર શ્રી એસ.જી.પટેલ જેવા કર્મયોગીની ખોટ વર્તાશે. વયમર્યાદા અને પ્રક્રિયાના ભાગરૂપે નિવૃત્તિ અનિવાર્ય છે ત્યારે શ્રી પટેલનું નિવૃત્તિ બાદનું જીવન સ્વસ્થ અને નિરામય રહે તેવી શુભકામના આપુ છું.
સતત કાર્યરત, નિયમિત, સાલસ અને મળતાવળા સ્વભાવના શ્રી પટેલે જણાવ્યું કે, સરકારી નોકરીમાં આટલા વર્ષોની સેવા સહકર્મીઓના સહયોગને આભારી છે. સાથે જ જિલ્લાના પત્રકારમિત્રોનો પણ હંમેશા સહયોગ રહ્યો છે. શ્રી પટેલે નિવૃત્તિ બાદ પણ મદદરૂપ થવાની ભાવના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે શ્રી એસ.જી.પટેલના પરિવારના સભ્યો, નિવૃત્ત નાયબ માહિતી નિયામકશ્રી એન.આર.ભગોરા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ પાટણ જિલ્લા માહિતી કચેરીના સ્ટાફના સભ્યો, જિલ્લાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.