Western Times News

Gujarati News

પાટણ માહિતી કચેરીના સહાયક અધિક્ષક એસ.આર.રાવળને ભાવસભર વિદાયમાન અપાયું

માહિતી બ્યુરો, પાટણ, પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવતાં શ્રી એસ.આર.રાવળ વયનિવૃત્ત થતાં માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી. માહિતી ખાતામાં ૩૮ વર્ષ સેવા બાદ વયનિવૃત્ત થનાર શ્રી રાવળને માહિતી પરિવાર દ્વારા શ્રીફળ અર્પણ કરી સ્વસ્થ અને નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

વર્ષ ૧૯૮૩માં મહેસાણા ખાતે બેટરી પટાવાળા તરીકે સેવામાં જાેડાયેલા શ્રી એસ.આર.રાવળ ત્યારબાદ જુનિયર કલાર્ક અને સહાયક અધિક્ષક તરીકે બઢતી મેળવી ધંધુકા, મહેસાણા અને પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે કુલ ૩૮ વર્ષના સેવાકાળ બાદ સહાયક અધિક્ષક તરીકે વયનિવૃત્ત થયા હતા. નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી દ્વારા શ્રી રાવળને શ્રીફળ, સાકર અને સાલ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીએ જણાવ્યું કે, સુરેશભાઈએ ખુબ પોઝીટીવ એટીટ્યુડ સાથે કામગીરી કરી છે. નિષ્ઠા સાથે ચીવટપૂર્વક કચેરીના કામને ન્યાય આપ્યો છે. તેમનું શેષ જીવન નિરામય અને દિર્ઘાયુ બને તે માટે આ તબક્કે તેમને શુભેચ્છા પાઠવું છું..

સતત કાર્યરત, નિયમિત અને મિતભાષી શ્રી એસ.આર.રાવળે જણાવ્યું કે, આટલા વર્ષોની ફરજ દરમ્યાન મને સદાય સારા સહકર્મીઓનો સાથ-સહકાર મળતો રહ્યો છે. પાટણ ખાતે પણ નાયબ માહિતી નિયામકશ્રી ગઢવી દ્વારા માર્ગદર્શન મળતું રહ્યું છે આ તબક્કે તમામનો હું આભાર વ્યક્ત કરૂં છું.

શ્રી રાવળે નોકરીની શરૂઆતના વર્ષોના સંભારણા પણ વાગોળ્યા હતા. સાથે જ જિલ્લાના પત્રકારશ્રીઓ તથા સહકર્મીઓએ શ્રી રાવળ સાથેના પોતાના અનુભવો વર્ણવી નિવૃત્તિની શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે શ્રી એસ.આર.રાવળના પરિવારના સભ્યો, બનાસકાંઠા તથા પાટણ માહિતી કચેરીના કર્મચારીશ્રીઓ તથા જિલ્લાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.