Western Times News

Gujarati News

પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા હાર્દિકનું અલ્ટિમેટમ

File

અમદાવાદ, રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદાર આંદોલન વખતે ચર્ચામાં આવેલા હાર્દિક પટેલે ફરી એક વખત સરકારને વિરોધની ચીમકી આપી છે. કોંગ્રેસી નેતા હાર્દિક પટેલે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજીને સરકાર અને રાજકોટ પોલીસ પર પ્રહારો કર્યા હતા.

હાર્દિક પટેલે સરકારને ચીમકી આપી છે કે, જાે પાટીદાર આંદોલન સમયના કેસ પરત નહીં ખેંચવામાં આવે તો ફરી આંદોલન કરવામાં આવશે. હાર્દિકના કહેવા પ્રમાણે જાે ૨૩મી માર્ચ સુધીમાં કેસ પરત ખેંચવાનો ર્નિણય નહીં લેવાય તો આંદોલન કરવામાં આવશે.

હાર્દિકે જણાવ્યું કે, આ માટે પાટીદાર ધારાસભ્યોને ગુલાબનું ફૂલ આપીને રજૂઆતો કરવામાં આવશે. ઉપરાંત ઉમેર્યું હતું કે, ૬ માર્ચથી સંઘર્ષના સાથી તરીકેનો સમાજ કાર્યક્રમ કરવામાં આવશે. હાર્દિકે સરકારને ૨૩મી માર્ચ સુધીમાં પાટીદારો વિરૂદ્ધના કેસ પાછા ખેંચવા અલ્ટિમેટમ આપ્યું છે.

હાર્દિકે કહ્યું હતું કે, મારા સિવાયના તમામ કેસ પરત ખેંચવામાં આવે તેવી વિનંતી છે કારણ કે, જેમના પર કેસ થયા છે તેઓ સરકારી નોકરી માટે અરજી નથી કરી શકતા. વધુમાં જણાવ્યું કે, આંદોલનના કારણે ગુજરાતના તમામ વર્ગના લોકોને લાભ મળ્યો છે. નરેશ પટેલ પણ પાટીદાર આંદોલન સમયના કેસ પરત ખેંચવા માટે રજૂઆત કરી ચુક્યા છે. આ ઉપરાંત પાટીદાર સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે બેઠક પણ કરી છે પરંતુ હજુ સુધી રાજ્યના ૪-૫ હજાર જેટલા પાટીદારો સામેના કેસ પાછા નથી ખેંચવામાં આવ્યા.

હાર્દિક પટેલે જણાવ્યું કે, તે ૬ માર્ચના રોજ શહીદોના પરિવારને સાથે રાખીને સંવાદ કરશે. ઉપરાંત ૧૦મી માર્ચથી પાટીદાર ધારાસભ્યો અને સાંસદોને ગુલાબ આપીને રજૂઆત કરવામાં આવશે. સરકાર તેમના અલ્ટીમેટમને વિનંતી પણ સમજી શકે છે અને ચેતવણી પણ સમજી શકે છે. પહેલી માર્ચથી કેસ પાછા ખેંચવાને લઈ રાજ્યભરમાં આવેદન આપવામાં આવશે. તાજેતરમાં જ કોગ્રેસ છોડનારા જયરાજસિંહને લઈને હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓની હાલત શું છે તે બધા જાણે છે.

રાજકોટ પોલીસ દ્વારા કટકી કાંડ મુદ્દે હાર્દિકે કહ્યું કે, રાજકોટ ક્રાઈમ બ્રાંચ ખાસ બ્રાંચ છે. ખાસ બ્રાંચે કરોડોની કમાણી કરીને સીપીનું ઘર ભરવાનું કામ કર્યુ છે. રાજકોટ પોલીસ કમિશનર ઘરમાં કૂતરો પાળે છે અને તેનું નામ પ્રેસિડેન્ટ રાખ્યું છે. કમિશનર અમદાવાદમાં તેના કૂતરાનો જન્મદિવસ ઉજવે છે.

રાજકોટ ખાસ બ્રાંચના કેટલાક અધિકારીઓ કમિશનરના કૂતરાના ચાર પગમાં પહેરવા સોનું લાવે છે. રાજકોટના લોકોને પોલીસ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ દ્વારા વચન આપવામાં આવ્યું હતું તેમ છતાં આંદોલન સમયના કેસ પાછા નથી ખેંચવામાં આવ્યા.

સાંસદ રમેશ ધડૂકે પણ પાટીદારો સામેના કેસ પરત ખેંચવા માટે રજૂઆત કરી હતી. રાજ્યની ભાજપ સરકાર પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરે છે. મારા સામે દ્વેશભાવ હોય તો મારા સામેના કેસ પરત ન ખેંચશો પરંતુ અન્ય સામેના કેસ પરત ખેંચી લો. જાે ૨૩મી માર્ચ સુધીમાં પાટીદારો સામેના આંદોલન સમયના કેસ પરત નહીં ખેંચવામાં આવે તો આંદોલન કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.