પાટીદાર નેતા નરેશ પટેલને પોતાના પક્ષમાં આવકારવા માટે હોડ જામી
(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં હવે તમામ પાર્ટીઓ આગામી ચૂંટણીની તૈયારીઓમાં લાગી છે. ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ, રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ત્યારે, પાટીદાર નેતા નરેશ પટેલને પોતાના પક્ષમાં આવકારવા માટે જાણે હોડ જામી હોય તેવું લાગી રહ્યું છે.
આજે ગુજરાત કોંગ્રેસના નેતા મનહર પટેલે ટ્વીટ કરીને માંગ કરી છે કે, “કોંગ્રેસ નરેશ પટેલને આવકારવા લાલ જાજમથી સત્કારવા તૈયાર,નરેશભાઇ પટેલને કોંગ્રેસ પ્રવેશ માટેની ઔપચારીકતાની તારીખની જાહેરાત કરે.
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પણ નરેશ પટેલને આવકારવા માટે સોશિયલ મીડિયામાં ખુલ્લો પત્ર લખ્યો હતો. ત્યારે મનહર પટેલ આ ટિ્વટ કરીને કોંગ્રેસના નેતાને નિશાના પર લઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
મનહર પટેલે ટિ્વટ કરીને જણાવ્યું કે, ‘જ્યારે કોંગ્રેસ શિર નેતૃત્વે નરેશભાઇ પટેલને કોંગ્રેસમા આવકારવા માટે લાલ જાજમથી સત્કારવા તૈયાર છે, તો પછી પ્રદેશ આગેવાનોએ ખુલ્લો પત્ર લખવા કે મિડીયામા આવકારવાના નિવેદનોથી આગળ વધી નરેશભાઇ પટેલને કોંગ્રેસ પ્રવેશ માટેની ઔપચારીકતાની તારીખની જાહેરાત કરે.’
હાર્દિકે ખુલ્લા પત્રમાં લખ્યું હતુ કે, પાટીદાર સમાજના હજારો પરિવાર ખેતી-વ્યવસાયમાં અનેક સમસ્યાનો સામનો કરે છે. તમે સારી રીતે જાણો છો કે, કેવી રીતે આપણા ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં આવી નથી. શાસક પક્ષના નેતાઓ દ્વારા તમામ સ્તરે આપણા વેપારીઓને કેવી રીતે હેરાન કરવામાં આવે છે.
ત્યારે આ અન્યાયી વાતાવરણમાં હું તમને આગળ આવવા અને સક્રિય રાજ્કીય જીવનમાં જાેડાવા અપીલ કરું છું. ૨૦૧૫થી મારા જેવા યુવાનો અન્યાય સામે જંગ લડવા નીકળ્યા છે તેવા યુવાનોને તમારું આ પગલું નવી આશા આપશે. આજે પણ હજારો પાટીદાર યુવાનો આંદોલન સમયના ખોટા કેસોથી પીડાય છે, પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે.
તમને માત્ર વિશાળ અને મજબૂત પાટીદાર સમાજના યુવા સભ્ય તરીકે નહીં પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર તરીકે પણ લખી રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે, તમે કોઈપણ બાહ્ય પરિબળોને ભૂલી જાઓ અને પાટીદાર યુવાનો પર વિશ્વાસ રાખીને રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઇના શ્રીગણેશ કરો. બીજીતરફ સમગ્ર મામલે ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, તેઓને હજુસુધી આવો કોઈ પત્ર મળ્યો નથી.