પાટીદાર સમાજે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી છે : રૂપાણી
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ- ૨૦૨૦નો પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે વિશ્વના પડકારોને ઝિલી શકે તેવી જ્ઞાન-વિજ્ઞાન- ટેક્નોલોજીથી સજ્જ સમાજશક્તિના નિર્માણનું કાર્ય આવી સમિટના માધ્યમથી જ થઈ શકે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્થાન, ઉન્નતિ અને વિકાસની ચિંતા આખો સમાજ સાથે મળીને કરે ત્યારે જ ‘સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈ બઢતે જાના’નો ભાવ ચરિતાર્થ થાય છે.
વિજય રૂપાણીએ પાટીદાર સમાજને મહેનતુ, ઉદ્યમશીલ, ઇમાનદાર અને સમયની સાથે કદમ મિલાવનારો વિકાસશીલ સમાજ ગણાવતા કહ્યું કે વેપાર-ઉદ્યોગ, નોકરી-વ્યવસાય કે સ્પર્ધાત્મક પરીક્ષા – હરેક ક્ષેત્રે પાટીદારોએ સરદાર સાહેબના વારસદાર તરીકે દૃઢ ઇચ્છાશક્તિ, લોખંડી મનોબળથી સફળતા મેળવી છે.
તેમણે આ સમિટ માત્ર બિઝનેસ સમિટ નહીં પરંતુ યુવાઓને સ્વરોજગાર, ઉદ્યોગ માટે પ્રોત્સાહન, ઉચ્ચ શિક્ષણની વ્યાપક વૈશ્વિક તકોનું માર્ગદર્શન અને વિશ્વના પ્રવાહો સાથે તાલમેલ સાધે તેવી પ્રેરણા આપનારી સામાજિક વિકાસના હોલિસ્ટીક એપ્રોચ સાથેની સમિટ ગણાવી હતી. યુવાનોને જોબ સિકર નહીં જોબ ગિવર બનાવવામાં આ સમિટ ઉપકારક બનશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે સરકારના કાર્યો સાથે સમાજશક્તિ જોડાય તથા યુવાશક્તિનું જોમ ઉમંગ અને સરદારધામ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ભળે તો વિકાસની ઉંચી છલાંગ અવશ્ય લગાવી શકાય. તેમણે પાટીદાર સમાજના સૌને એવી પણ ખાતરી આપી હતી કે રાજ્યના-રાષ્ટ્રના વિકાસ અને રાષ્ટ્રનિર્માણના આવા સમાજસેવી આયોજનોને રાજ્ય સરકાર સહાય-સહયોગ આપશે. મુખ્યમંત્રીએ ગુજરાતના વૈશ્વિક વિકાસમાં પાટીદાર સમાજના ઉદ્યમ-મહેનત અને સાહસિકતાના યોગદાનની સરાહના પણ કરી હતી.