પાટીદાર સમાજ કોઈનો ગુલામ નથી, ભાજપ ફાંકો કાઢી નાંખેઃ હાર્દિક પટેલ
અમદાવાદ, રાજ્યમાં જાણે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, આમ આદમી પાર્ટીએ જન સંવેદના યાત્રા શરૂ કરીને લોકોની મુલાકાત કરવાનું શરૂ કર્યું છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ જન આશીર્વાદ યાત્રા કરીને લોક સંપર્ક શરૂ કર્યો છે. ત્યારે જન આશીર્વાદ યાત્રા દરમિયાન રાજકોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું હતું કે, પાટીદાર એટલે ભાજપ ત્યારે હવે મનસુખ માંડવિયા આ નિવેદનને લઈને હાર્દિક પટેલ મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
હાર્દિક પટેલ કહ્યું હતું કે, પાટીદાર સમાજ કોઈનો ગુલામ નથી, ભાજપ ફાંકો કાઢી નાંખે. સાથે તેણે એવું પણ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની વાતો કરે છે પરંતુ, ચાર મહિનાથી કોમામાં રહેલા પ્રોફેસર પટેલ છે અને એ પણ સમાજનો દીકરો છે તો ભાજપના કયા નેતાએ તેની મુલાકાત કરી. આ દીકરાને મદદ કરી પહેલા તેનો જવાબ આપો પછી પાટીદાર સમાજની વાત કરો.
મહત્ત્વની વાત છે કે, હાર્દિક પટેલ રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા પોલિટેકનિક કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રાકેશ વઘાસીયાના ઘરે મુલાકાત કરવા માટે ગયા હતા. રાકેશ વાઘસિયાને કોરોના થયા બાદ છેલ્લાં ચાર મહિનાથી તેઓ કોમામાં છે અને તેના પરિવારને ખૂબ જ આર્થિક મુશ્કેલી પડી રહી છે. તેથી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ રાકેશ વઘાસીયા પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને હાર્દિક પટેલે પ્રોફેસરના પરિવારના સભ્યો સાથે વાતચીત કરીને એક લાખ રૂપિયાની આર્થિક સહાય પણ કરી હતી.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યા બાદ ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલે કહ્યું હતું કે, પહેલાથી હું કહેતો આવું છું કે પાટીદાર ભોળો સમાજ છે. પાટીદારની અંદર વિભાજન હોઈ શકે થોડાં લોકો ભાજપમાં હોય પરંતુ, ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં પણ છે અને કોંગ્રેસમાં પણ છે. એટલે મનસુખ માંડવિયા ભાજપમાં હોય તો એમનો વિચાર હોઈ શકે પરંતુ, ખોડલધામ મંદિરના પટાંગણમાંથી હું એમ જ કહીશ કે દરેક સમાજના લોકો દરેક પક્ષની અંદર વહેંચાયેલા હોય તો તે તેના સ્થાને કામ કરે છે.
નરેશ પટેલના નિવેદન બાદ SPG પ્રમુખ લાલજી પટેલ પણ મેદાને આવ્યા હતા અને તેમણે એવું નિવેદન આપ્યું હતું કે, ભાજપ એટલે પાટીદાર એવું કંઈ નથી અને કોઈએ ભૂલમાંય આ ન માની લેવું. પાટીદારો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિત બધા જ રાજકીય પક્ષોની સાથે છે.HS