પાઠ્ય પુસ્તક મંડળના ૪૨ લાખની પુસ્તક ચોરીમાં ચોકીદાર જ ચોર
ગાંધીનગર: પાટનગર ગાંધીનગર શહેરના સેક્ટર ૨૫માં આવેલી આવેલી જીઆઇડીસીમાં પાઠ્ય પુસ્તક મંડળનાં ગોડાઉનમાંથી આશરે ૪૨ લાખના પુસ્તકોની ચોરી થયાનું સામે આવ્યું હતુ. વહીવટી અધિકારી દ્વારા સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર બનાવમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે ગોડાઉન મેનેજર અને સ્ટોર કીપરની ધરપકડ કરી લીધી છે.
ગત ૮ નવેમ્બરના રોજ આશરે ૪૨ લાખના પુસ્તકોની ચોરી થઇ હતી. જેને લઇને સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આ સમગ્ર બાબતની તપાસ લોકલક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી પોલીસ દ્વારા પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓની પૂછપરછ કરાયા બાદ આખરે આ સમગ્ર મામલામાં ચોકીદાર જ ચોર સાબિત થયો છે. ગોડાઉનમાં મેનેજર જગદીશ લકસીભાઈ ખરાડી અને આઉટસોર્સમાં ફરજ બજાવતા સ્ટોર કીપર સંદીપ રણછોડભાઇ ચૌધરી દ્વારા ઉચાપત કરવામાં આવી હોવાનું સામે આવતા બંનેની ધરપકડ કરાઈ હતી.
ગાંધીનગર ડીવાયએસપી એમ જે સોલંકીએ આ બાબતે કહ્યું કે, આટલી મોટી રકમના પુસ્તકો માત્ર ત્રણ કલાકના સમયગાળામાં ચોરી થઇ શકે નહીં. ગોડાઉનમાં ડિસેમ્બર મહિનાના અંતમાં ઓડિટ કરવામાં આવતું હતું. પરંતુ ઓડિટ દરમિયાન આંકડાની માયાજાળ બતાવવામાં આવતી હતી ગોડાઉનના કર્મચારીઓને પહેલેથી જ પુસ્તકોની ઘટની માહિતી હતી. જેને લઇને મળતીયાઓ દ્વારા ગોડાઉન નંબર ૧૪,૧૫ બહાર દીવાલ પાસે પુસ્તકો બહાર મુકાવી દેવામાં આવતા હતા અને પુસ્તકોની ઘટને ચોરીમાં ખપાવી દેવામાં આવતી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિનામૂલ્યે આપવામાં આવતાં પુસ્તકોના ગોડાઉન પાસે કાયમી કર્મચારીને ફરજ સોંપવામાં આવતી હતી જ્યારે ધોરણ ૧૧,૧૨ સાયન્સના પુસ્તકોના ગોડાઉન પાસે આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવતી હતી. જેને લઇને સ્પષ્ટ જોવા મળતું હતું કે, આ સમગ્ર બાબત જાણી જોઈને આચરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા આ સમગ્ર બાબતનો રિપોર્ટ પણ પાઠ્યપુસ્તક મંડળના ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. હાલ તો પોલીસે ગોડાઉન મેનેજર અને આઉટડોર્સમાં ફરજ બજાવતા સ્ટોર કીપરની ધરપકડ કરીને રીમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આગળના સમયમાં હજુ મોટા માથાના નામ ખૂલે તેવી શક્યતાઓ ચોક્કસ જોવા મળી રહી છે. પોલીસે હાલ બંને આરોપીઓ સામે ઉચાપતની કલમ લગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.