પાણીથી પણ સસ્તી રસીના ભાવ ૧૪૧૦ કઈ રીતે થયા?

Files Photo
નવી દિલ્હી: નવી ગાઈડલાઈન અનુસાર સરકારી કેન્દ્રો પર કોરોનાની રસી વિનામૂલ્યે મળશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેના માટે પૈસા આપવાના રહેશે. સરકાર તરફથી આ માટેની કિંમત પણ નક્કી કરવામાં આવી છે. કોવિશીલ્ડ માટે ૭૮૦ રુપિયા અને કોવેક્સિન માટે ૧૪૧૦ રુપિયા નક્કી કરવામાં આવ્યા છે.
ભારત બાયોટેકની કોવેક્સિન આટલી મોંઘી કેમ હશે તેને લગતા પ્રશ્નો લોકોમાં ઉદ્દભવી રહ્યા છે. ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષે એક વીડિયો શેર કરીને કટાક્ષ કર્યો છે.
ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી.એ ભારત બાયોટેકના સંસ્થાપક કૃષ્ણા એલ્લાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કૃષ્ણા એલ્લાને વેક્સિનની કિંમત અંગે પ્રશ્ન પૂછવામાં આવે છે તો તેઓ જવાબમાં કહે છે કે તેની કિંમત પાણીની બોટલથી પણ ઓછી હશે. સરકાર તરફથી કિંમત નક્કી કર્યા પછી યુવા કોંગ્રેસ અધ્યક્ષે આ જૂનો વીડિયો ટિ્વટ કરીને સરકાર પર કટાક્ષ કર્યો છે.
જે ખાનગી હોસ્પિટલો દ્વારા રસી આપવામાં આવશે તેમના માટે પણ સરકારે ભાવ નક્કી કર્યા છે. કોવિશિલ્ડ રસી માટે હોસ્પિટલો ૭૮૦થી વધારે રુપિયા નહીં લઈ શકે. કોવેક્સિનની કિંમત ૧૪૧૦ રુપિયા નક્કી કરવામાં આવી છે તેમજ સ્પુતનિક વી માટે ૧૧૪૫ રુપિયા કિંમત ફિક્સ કરવામાં આવી છે. હવે પ્રશ્ન એ ઉદ્દભવી રહ્યો છે કે જ્યારે પહેલા પાણીની બોટલની કિંમતથી પણ ઓછી કિંમતે રસી આપવાની વાત હતી તો હવે એકાએક તેની કિંમત આટલી બધી વધી કઈ રીતે ગઈ?