Western Times News

Gujarati News

પાણીની ગેરકાયદે લગાવેલી 59 મોટર્સ VMC એ બંધ કરાવી

મહાપાલિકાના પુરવઠા વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું

વડોદરા, વડોદરાના સંવેદનશીલ વિસ્તાર પૈકીના તુલસીવાડી અને તેની આસપાસમાં પાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતા પાણીનો પુરવઠો પૂરતો મળતો હોવાની ઉઠેલી બૂમના પગલે મહાનગરપાલિકા દ્વારા ગુરૂવારે સાંજે મેગા ઓપરેશન કરાયું હતું જેમાં પ૯થી વધુ ગેરકાયદે ચાલતી મોટર બંધ કરાવી હતી.

ગેરકાયદે મોટર લગાવીને પાણી ખેંચવામાં આવતી હોવાની આ વિસ્તારમાં મોટાપાયે પ્રવૃત્તિ ચાલતી હોવાથી આવી તમામ મોટરનો કનેકશન કાપીને મોટરો કબજે લેવામાં આવતા વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. લોખંડી પોલીસ પહેરા સાથે સૌથી વધુ કર્મચારીઓએ શરૂ કરેલ ઓપરેશનના પગલે આ વિસ્તારના એક તબક્કે માહોલ પણ ઉત્તેજીત બની ગયો હતો.

તુલસીવાડી અને તેની આસપાસના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હોવાના મામલે છાશવારે પાલિકાના મુખ્યાલય પર આ વિસ્તારના રહીશોનો મોરચો જતો હતો. પાલિકા તરફથી આ વિસ્તારમાં પાણીનો પૂરતો પુરવઠો આપવામાં આવતો હોવા છતાં આ પ્રકારની ઉઠેલી બૂમના પગલે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

ત્યારે આ વિસ્તારમાં અનેક મકાનોમાં પાલિકાના પાઈપ લાઈન પર જ ગેરકાયદે મોટર (પંપ) લગાડીને પાણી ખેંચી લેવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું જેના પગલે મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ મેજર ઓપરેશન કરવાનો આદેશ આપ્યો હતો.

આ વિસ્તારના આસિ. મ્યુનિ. કમિશનર સુરેશ તુવેર, ઉત્તર ઝોનના કા.ઈ. ધાર્મિક દવેના નેતૃત્વ હેઠળ પાલિકાના દબાણ વિભાગ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના કાફલા સાથે લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે ગુરૂવારે સાંજે મેજર ઓપરેશન હાથ ધર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.