પાણીની ડોલમાં પડી જવાથી દોઢ વર્ષના બાળકનું મોત થયું
જામનગર: જામજાેધપુર તાલુકાના શખપુર ગામનો એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ ગામમાં પરપ્રાંતીય શ્રમિક પરિવારનો દૉઢ વર્ષનો બાળક ઘરે રમતા રમતા પાણીની ડોલમાં પડી ગયો હતો. જેનું અંદર મૃત્યું થયું છે. દોઢ વર્ષના બાળકના માતા પિતા કોઇ કામથી બાજુની વાડીમાં ગયા હતા. આ બાળક તેના ભાઇ સાથે ઘરમાં એકલો હતો. આ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કરૂણ ઘટનાને કારણે પરિવાર અને આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે મળતી વિગત મુજબ, જામજાેધપુર તાલુકાના શખપુર ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજુરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના શાળ ગામના વતની કાંતિભાઇ ગુલ્લાભાઇ ભુરીયાનો દોઢ વર્ષનો પુત્ર ઇશ્વર બે દિવસ પહેલા એટલે કે, ૨૦મી તારીખે સવારે ઘરે પોતાના ભાઇ સાથે એકલો હતો. તેના માતા પિતા કામથી બહાર ગયા હતા, આ દરમિાન ઇશ્વર રમતા રમતા પાણીની ભરેલી ડોલમાં અચાનક પડી ગયો હતો. જેથી થોડી જ વારમાં તે ડુબી ગયો હતો અને તેનુ મૃત્યુ નીપજયુ હતુ.
આ અંગેની જાણ થતા પોલીસ તરત જ ઘરે આવી ગઇ હતી. જે બાદ પરિવારનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ જામજાેધપુર પોલીસે હાથ ધરી છે. માસૂક પુત્રના અકસ્માત મૃત્યુના બનાવ બાદ પરપ્રાંતિય પરિવાર તથા આખા પંથકમાં દુખનો માહોલ સર્જાયો છે. ગત ડિસેમ્બરમાં પણ આવો જ એક કરૂણ બનાવ સામે આવ્યો હતો. ભરૂચના અંકલેશ્વરમાં ૩ વર્ષના બાળકનું ઘર પાસે રમતા-રમતા ટાંકીમાં પડી જતા મોત નીપજ્યું હતુ.
આ બાળક ગુમ થયો હોવાની પરિવારને જાણ થતા તેની શોધખોળ શરૂ કરી હતી. ૨૪ કલાક વીતી ગયા હોવા છતાં આ નાનકડો બાળક નહીં મળતા તેનો પરિવાર ચિંતિત થઈ ગયો હતો. આખરે આ પરિવારે બાળક નહીં મળવાની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી.અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઘરની આસપાસ બાળકની શોધખોળ કરતા તેનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો.