પાયલટ સહિતના અસંતુષ્ટોએ અયોગ્યતા મુદ્દે નવી પીટિશન ફાઈલ કરવા સમય માંગ્યો, હાઈકોર્ટની મંજૂરી
જયપુર, રાજસ્થાન હાઈકોર્ટે કોંગ્રેસમાંથી બહાર કરાયેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ સહિતના 18 કોંગી ધારાસભ્યોને કોંગ્રેસ પાર્ટીએ કરેલી રજૂઆત બાદ અયોગ્ય ઠેરવવા વિધાનસભા અધ્યક્ષે આપેલી નોટિસના મુદ્દે નવી પીટિશન ફાઈલ કરવા જણાવ્યું છે. હાઈકોર્ટે આ માટે તમામ અસંતુષ્ટોને વધુ સમય આપ્યો છે.
હાઈકોર્ટે બપોરે ત્રણ વાગ્યે કોંગી ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની સ્પીકરની નોટિસના સામે કરાયેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેએ સચિન પાયલટ જૂથ વતી હાઈકોર્ટમાં અરજીમાં સુધારો કરવા વધુ સમય માંગ્યો હતો. સાલ્વેએ કોર્ટને જણાવ્યું હતું કે ધારાસભ્યો તેમને મળેલી નોટિસની બંધારણિય યોગ્યતાને પડકારવા માંગે છે અને આ માટે નવી અરજી કરવા વધુ સમયની જરૂર છે.
હવે પછી રાજસ્થાન હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ આ કેસની સુનાવણી કરશે. કોંગ્રેસમાંથી હકાલપટ્ટી બાદ સચિન પાયલટ સહિત 19 કોંગી ધારાસભ્યોને વિધાનસભા સ્પીકરે અયોગ્ય ઠેરવવા નોટિસ જાહેર કરી છે. સચિન પાયલટ જૂથ આ મુદ્દે લડી લેવાના મામલે છે અને તેમણે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરી હતી. જો કે હવે નવી પીટિશન દાખલ થયા બાદ વધુ સુનાવણી હાથ ધરાશે.
બીજીતરફ કોંગ્રેસનું બેવડું વલણ સામે આવી રહ્યું છે. કોંગ્રેસે પહેલા સચિન પાયલટને પક્ષમાંથી બહાર કરી દીધા હતા અને તેમની સામે અયોગ્ય ઠેરવવાના પગલાં લેવા સ્પીકરને જણાવ્યું હતું. જ્યારે હવે કોંગ્રેસ સચિન પાયસટ સહિતના ધારાસભ્યોને પક્ષમાં પરત ફરવા માટે પણ તક આપી રહી હોવાનું જણાવી રહી છે.