Western Times News

Gujarati News

પાયલટ ૬ મહિનાથી ભાજપમાં જવાની તૈયારી કરી રહ્યા હતા: ગેહલોતનો આરોપ

જયપુર, રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામમાં હવે પરસ્પર આરોપ પ્રત્યારોપનો સિલસિલો ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલટ પર ફરી નિશાન સાધ્યું હતું. પાયલટને અતિ મહત્વાકાંક્ષી કહેતા ગેહલોતે કહ્યું કે, તે ૬ મહિનાથી ભાજપમાં જવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તેમના સાથીઓએ ના પાડી દીધી. પછી તેમણે સાથીઓને કહ્યું કે, તે ભાજપમાં નહીં જાય અને ત્રીજો મોરચો બનાવશે. ત્યારપછી ભાજપના સમર્થનથી સરકાર ચલાવશે.તેમણે કહ્યું કે, ૧૧ જૂને પાયલટના પિતા રાજેશ પાયલટની પુણ્યતિથિ હતી. એ દિવસે તેમની યોજના હતી કે દૌસાથી રાતે ૨ વાગ્યે ધારાસભ્યોને લઈને ગુડગાંવ રવાના થઈ જાય.પરંતુ છેલ્લી ઘડીએ અમે તેમની યોજના પર પાણી ફેરવી દીધું. પણ તેમણે ફરીથી એ જ રમત શરૂ કરી દીધી.ગેહલોતે કહ્યું- પાયલટ પર આ આરોપ હું નથી લગાવી રહ્યો, પણ તેમનો સાથ છોડી ચૂકેલા સાથીઓએ મને જણાવ્યું છે. વાઈરલ ઓડિયો ટેપની વાસ્તવિકતાના દાવા અંગે ગેહલોતે કહ્યું કે, જો ટેપ ખોટી હશે તો હું રાજકારણ છોડી દઈશ.

ગેહલોતે કહ્યું કે, ભાજપે હોર્સ ટ્રેડિંગ બંધ કરવું જોઈએ. તેમની બદનામી થઈ રહી છે. ૨૫-૩૫ કરોડ રૂપિયા અને ૧૦-૧૦ કરોડ એડવાન્સમાં આ શું થઈ રહ્યું છે? આ તેમના પોતાના લોકો કહી રહ્યા છે. ઓડિયો ટેપ આવી રહી છે, તેમ છતા મીડિયાના હોઠ સિવાયેલા છે. ગેહલોત સરકારમાં સન્માન ન મળવાની પાયલટની ફરિયાદ અંગે સીએમે કહ્યું કે, જે લોકો પાર્ટી છોડીને જઈ રહ્યા છે, તેમની ફરિયાદની કોઈ કિંમત નથી. અમે બહુ સહન કરી લીધા. આ ઉંમરમાં આટલી મહત્વાકાંક્ષા ઠીક નથી.ગેહલોતે પૂર્વ સીએમ વસુંધરા સાથેની સાંઠગાંઠના સવાલો અંગે કહ્યું કે, પૂર્વ સીએમ ઉપરાંત કેન્દ્રમાં મંત્રી રહી ચુકેલા અને પાંચ વખત સાંસદ રહી ચુકેલા વ્યક્તિને રાજ્યમાં બંગલો આપવામાં પ્રાથમિકતા આપવાની પરંપરા છે. આમાં કંઈ ખોટું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.