પાયલોટને આમંત્રણ આપ્યું નથી, આવે તો સ્વાગતઃ ભાજપ
પાયલોટ ભાજપની મહેમાનગતિ છોડીને વાતચીત કરે, પરિવારનો મામલો સાથે બેસીને જ ઉકેલી શકાયઃ કોંગ્રેસ
જયપુર, રાજસ્થાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું છે કે અશોક ગેહલોત સરકાર ‘જુગાડની સરકાર’ છે. અશોક ગેહલોત યેનકેન પ્રકારે વિધાનસભામાં બહુમતી સાબિત કરવા ઈચ્છે છે. પરંતુ જો તેમની પાસે બહુમતી હોત તો હમણાં સુધી દેખાડી દીધી હતી. ભાજપ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે, સચિન પાયલોટને ભાજપમાં પ્રવેશવા અંગે અમે કોઈ નિમંત્રણ આપવા જઈ રહ્યા નથી,
જો કોઈ આવે છે તો તેમનું સ્વાગત છે. પૂનિયાએ કહ્યું કે રાજ્યની ગેહલોત સરકારે બહુમતી ગુમાવી દીધી છે. જો સચિન પાયલોટની સાથે ગયેલા ધારાસભ્યો રાજીનામા આપશે તો આ ગેહલોત સરકાર પડી જશે. ભાજપ રાજસ્થાનમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે નહીં. હાલ ભાજપે નક્કી કર્યું છે કે સંપૂર્ણ ઘટનાક્રમ પર નજર રાખવામાં આવે અને આગળના ડેવલપમેન્ટ બાદ કોઈ પગલું ભરવામાં આવશે.
બીજી તરફ કોંગ્રેસે કહ્યું છે કે પાર્ટીના બાગી ધારાસભ્યોએ માનેસર હોટેલથી નીકળી જવું જોઈએ.સચિન પાયલોટે ભાજપનો ‘આતિથ્ય’નો ત્યાગ કરીને પાર્ટી સાથે વાતચીત કરવી જોઈએ. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે જ્યાં સુધી પાર્ટીના નારાજ ધારાસભ્યોનો સવાલ છે, તો અમને તેમને પહેલાં પણ કહી ચૂક્યા છીએ કે મીડિયાના માધ્યમથી વાતચીત થઈ શકે નહીં. તમે લોકશાહીના મહત્વના અંગ છો. અમે તેનો સ્વીકાર કરીએ છીએ. પરંતુ પરિવારનો મામલો છે, જે સાથે બેસીને ઉકેલી શકાય તેમ છે.
સૂરજેવાલાએ એમ પણ કહ્યું કે, સચિન પાયલોટે ભાજપની મહેમાનગતિ ફગાવીને પરત આવી જવું જોઈએ, જેથી વાતચીત થકી મામલો ઉકેલી શકાય. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન કોંગ્રેસના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે પોતાની સરકાર સામે વિદ્રોહ કર્યો છે, ત્યારથી રાજ્યની અશોક ગેહલોત સરકારની મુશ્કેલી વધી ગઈ છે. જોકે,સચિન પાયલોટ ભાજપમાં જોડાશે કે કેમ તેને લઈને સસ્પેન્સ હજુ યથાવત છે. જો સચિન પાયલોટ જૂથના ૧૯થી વધુ ધારાસભ્યો એક સાથે રાજીનામા આપે છે તો ગેહલોત સરકારની મુશ્કેલી વધી શકે છે.