પાયલોટ ભાજપ સાથે એટલા મળેલા છે કે પાછા નહીં આવે, – ગેહલોત
ગંદી રમત રમે છે, ભાજપને ખુશ કરવા કાવતરૂં, પાયલોટ નકામા, નેગેટિવ, લોકોને લડાવે છેઃ ગેહલોત
જયપુર, રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ વચ્ચે અશોક ગેહલોતે ફરી સચિન પાયલટ પર પ્રહાર કર્યા છે. અશોક ગેહલોતે કહ્યું અમને ખબર હતી કે સચિન પાયલટ નકામા છે; કંઈ કામ નથી કરતા, ખાલી લોકોને લડાવી રહ્યા છે તેમ છતાં અમે પાયલોટના માન સન્માનમાં કોઈ ખામી નથી રાખી, પરંતુ તેમણે ગંદી રમત રમી છે. ભાજપને ખુશ કરવા માટે કાવતરું ઘડ્યું. હરીશ સાલ્વે તેમનો કેસ લડી રહ્યા છે, આટલા પૈસા ક્યાંથી આવી રહ્યા છે? દેશની અંદર ગુંડાગર્દી થઈ રહી છે. પાયલટની ચાલ અને ચહેરો સામે આવી ગયો છે. ધારાસભ્યોને ગુડગાંવમાં બંધક બનાવાયા છે. ગેહલોતે કહ્યું કે, પાયલોટ ભાજપ સાથે એટલો મળેલા છે કે તે પાછા કોંગ્રેસમાં આવી શકે તેમ જ નથી.
બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય ગિર્રાજ મલિંગાએ સચિન પાયલટ પર આરોપ લગાવ્યો છે કે સચિને કોંગ્રેસ છોડવા માટે મને પૈસાની ઓફર કરી હતી. આ અંગેની જાણ મેં મુખ્યમંત્રીને કરી હતી. ગિર્રાજ મલિંગાએ હોટલ ફેયરમોન્ટની બહાર મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, ડિસેમ્બરમાં સચિન પાયલોટને તેમના ઘરે મળ્યો હતો. ત્યાં જ તેમણે ઓફર કરી હતી.
રાજ્યસભા ચૂંટણી વખતે પણ તેમણે એ વાત કહી હતી. ગિર્રાજ મલિંગા સતત ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. પહેલી વખત બસપામાંથી ધારાસભ્ય બન્યા હતા.ત્યારપછી ગેહલોત સરકારમાં બસપા છોડીને ભાજપમાં જોડાયા. મલિંગાને પુછવામાં આવ્યું કે, તમારી પાસે કોઈ પુરાવો છો તો તેમણે કહ્યું મને રેકોર્ડિંગ કરતા નથી આવડતું. જ્યારે તેમણે મને ઓફર કરી તો મેં ચોખ્ખી ના પાડી દીધી હતી. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે સચિન પાયલોટને સલાહ આપી છે કે કોંગ્રેસમાં તેમનું ભવિષ્ય સારુ છે અને તે જ્યોતિરાદિત્ય સિંધિયાના રસ્તે ન જાય.
સિંહના જણાવ્યા પ્રમાણે, તેમણે પાયલટને સંદેશ મોકલ્યો છે કે ભાજપ અવિશ્વસનીય પાર્ટી છે. સિંધિયા જેવી ભૂલ ન કરશો. ભાજપમાં જે બીજા પક્ષમાંથી ગયા છે તે ક્યારેય સફળ નથી થયા. સિંહે કહ્યું કે, આ મેસેજ તેમણે સચિનને મોકલ્યો હતો. પણ એવું પહેલી વખત બન્યું છે જ્યારે તેમનો જવાબ આવ્યો નથી. આ પહેલા તો સચિન દર વખતે મેસેજનો તાત્કાલિક જવાબ આપતા હતા.