પારસ ફાઉન્ડેશન દ્વારા પારસચંદ્રક સાહિત્યીક પારિતોષક અર્પણ
ગુજરાતી ભાષાનો સૌથી મોટો પુરસ્કાર-પાંચ વિવિધ શ્રેણીના સાહિત્યકારોને બે-બે લાખની શુભેચ્છા
અમદાવાદ: પારસ ફાઉન્ડેશન દ્વારા આજરોજ અમદાવાદ ખાતે પારસ ગુજરાતી સાહિત્યનું અનોખું સન્માન કરતો ‘પારસચંદ્રક અર્પણ સમારોહ – ૨૦૨૪’ યોજાયો હતો. જે આ વર્ષે પારસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રથમ આવૃત્તિ છે. આ સમારોહમાં ગુજરાત અને મુંબઈથી ૨૦૦થી વધારે સાહિત્ય સર્જકો પધાર્યા હતાં.
મુખ્ય અતિથિ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. જેમના વરદ હસ્તે નીચે જણાવેલ પાંચ શ્રેણીમાં પારસચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતાં. પ્રત્યેક શ્રેણીમાં સ્મૃતિચિહ્ન અને રૂ. ૨ લાખની ધનરાશી પુરસ્કાર રૂપે એનાયત કરવામાં આવી હતી.
પારસચંદ્રક શ્રેણી | પુરસ્કૃત સાહિત્યકાર |
શ્રેષ્ઠ સર્જક – પદ્ય | શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ |
શ્રેષ્ઠ સર્જક – ગદ્ય | શ્રી વીનેશ અંતાણી |
શ્રેષ્ઠ યુવા સર્જક – પદ્ય | શ્રી ભાવેશ ભટ્ટ |
શ્રેષ્ઠ યુવા સર્જક – ગદ્ય | શ્રી રામ મોરી |
સાહિત્ય – સેવા | શ્રી મનીષ પાઠક |
જાણીતા સાહિત્યકાર પદ્મશ્રીથી પુરસ્કૃત રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઇ, અને ભીખુદાન ગઢવી તથા શ્રી રાજેન્દ્ર શુક્લ, શ્રી જોરવારસિંહજાદવ, શ્રી માધવ રામાનુજ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ આખો કાર્યક્રમ પારસ ફાઉન્ડેશનના સ્થાપક – શ્રી પારસ પટેલનાં ગુજરાતી સાહિત્ય અને ભાષા સેવાનાં સ્વપ્નથી સાકાર થયો. જેઓ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને ઉમદા કવિ છે.
આ સંસ્થાની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ ભાષા-સેવા કરવાનો છે. ગુજરાતી ભાષા-સાહિત્ય, સંસ્કૃતિનું જતન, સંવર્ધન, પ્રસારનો પ્રયાસ કરવો અને સાહિત્યિક રુચિપોષક, પ્રોત્સાહક પ્રવૃત્તિઓ કરવાનો છે. સર્જકોના અમૂલ્ય યોગદાન દ્વારા ઊગતી પેઢીને પ્રેરણા આપવામાં, માંજવામાં અને જીવંત રાખવામાં આવે તેની ખાતરી કરવા માટેનો ઉદ્દેશ્ય સંસ્થા ધરાવે છે.
પારસચંદ્રક એ એક સાહિત્યિક સન્માન છે, જે ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠતાને માન્યતા અને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી સર્જકોને આપવામાં આવે છે. આ ચંદ્રક ઉત્કૃષ્ટ સાહિત્યસેવા બદલ લેખકોને પ્રતિવર્ષ આપવામાં આવશે.સાહિત્યનાં ક્ષેત્રમાં વિવિધ પ્રતિભાની કદર કરી નોંધપાત્ર પ્રદાન કરનાર સર્જકની વિશિષ્ટ શક્તિને પ્રમાણીને એનું પોષણ, સંવર્ધન અને પ્રોત્સાહન કરવા આ પારસચંદ્રક એનાયત કરવામાં આવે છે.