પાર્ટીને મજબૂત કરવા બધી તાકાત લગાવી દેવાશે : નડ્ડા
નવીદિલ્હી: પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ જેપી નડ્ડાએ પાર્ટીના તમામ દિગ્ગજાના આશીર્વાદ લીધા હતા જેમાં નડ્ડાએ દિલ્હીમાં પાર્ટી ઓફિસ ખાતે આયોજિત કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જાશીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. નડ્ડાએ ભારત માતા કી જયના નારા સાથે પોતાના ભાષણની શરૂઆત કરી હતી.
આ ગાળા દરમિયાન કાર્યકરોએ જય શ્રીરામના નારા પણ લગાવ્યા હતા. પોતાના પ્રથમ ભાષણમાં તેમણે કહ્યું હતું કે, ભાજપને મજબૂત બનાવવા માટે પૂર્ણ તાકાત લગાવવા માટે તૈયાર છે.
નવા ચૂંટાયેલા પાર્ટી પ્રમુખે કહ્યું હતું કે, અમિત શાહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ એક પછી એક સિદ્ધીઓ હાંસલ કરી હતી. તેમનામાં જેટલી કુશળતા છે તે તમામ કુશળતા લગાવી દેવા ઇચ્છુક છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ પ્રદેશના એકમોનો આભાર માને છે. એકમો દ્વારા તેમની બિનહરીફ વરણી કરવામાં આવી છે. અડવાણી અને જાશી તરફથી આશીર્વાદ મળ્યા છે જેથી તેમનો આભાર માને છે. અહીં રહેલા તમામ સભ્યોની સાથે કામ કરવાની તેમને તક મળી છે. વડાપ્રધાનનો આભાર માને છે.