પાલડીની શારદા સોસાયટીના રહીશોની અનોખી ટિફિન સેવા
સેવાભાવીઓ જરૂરિયાતમંદો માટે સવાર-સાંજ ટિફિન તૈયાર કરે છે -હોમ ક્વોરન્ટાઈન ઉપરાંત સિનિયર સિટીઝન તથા એકલા રહેતા વડીલો કે જેઓ શાકભાજી, કરીયાણું, ખરીદવા જઈ શકતા નથી તેવા ૭પ પરિવારને ટિફિન પહોંચાડે છે
અમદાવાદ, કોરોના સંક્રમણ વધતું જાય છે. ત્યારે હોમ ક્વોરન્ટાઈન થયેલા સેંકડો પરિવારો ભોજનથી લઈ અનેક ચીજવસ્તુઓ લેવા માટે બજાર જઈ શકતા નથી,ઘ ખાસ કરીને જે ઘરમાં માત્ર સિનિયર સિટીઝન જ રહેતા હોય તેમની કફોડી સ્થિતિ છે.
આવા સંજાેગોમાં શહેરના પાલડી વિસ્તારમાં આવેલી ૭પ વર્ષ જૂૂની શારદા સોસાયટીના સેક્રેટરી તેજસભાઈ દેસાઈ અને તેમના મિત્રોની ટીમ કોરોના મહામારીમાં સવાર સાંજ મફત ટિફિન પહોંચાડવાની કામગીરી કરે છે. માત્ર એક એક અઠવાડિયા પહેલા ૧૦ ટિફિનથી શરૂઆત કરી હતી જે વધીને ૭પ સુધી પહોંચી છે.
શારદા સોસાયટીના સેક્રેટરી કહેછે સોસાયટીની નજીક આવેલા ભીમનાથ મંદિર પાસે ભોજન તૈયાર કરવા માટે રસોડું શરૂ કર્યુ છે. શારદા સોસાયટી ઉપરાંત પૂજન ફ્લેટ, બ્રહ્મ ક્ષત્રિય સોસાયટી સહિતની વિવિધ સોસાયટીઓમાં ટિફિન સર્વિસ કોવિડના દર્દીઓ અને હોમ ક્વોરન્ટાઈન થયેલા પરિવારો ઉપરાંત જેઓ બજારમાં કરીયાણું કે અનાજ ખરીદવા જઈ શકતા નથી તેવા વડીલોને પણ મફત ટિફિન પહોંચાડવામાં આવે છે.
એક અઠવાડિયા પહેલાં અમારી સોસાયટીના ૧૦ પરિવારોને ટિફિન આપવાની શરૂઆત કરી હતી પરંતુ જરૂરિયાત વધવાથી આજુબાજુની સોસાટીમાંથી કોલ આવવા લાગ્યા હતા. બંગલામાં ક્વોરન્ટાઈન થયેલા કેટલાક પરિવારના બજારમાંથી ફૂડ ડિલિવરી અનુકૂળ ન આવતા આ ટિફિન સર્વિસ ઉપયોગી બની છે.
આ કાર્યમાં સોસાયટીના તેજસભાઈ, મનનભાઈ, દિનેશભાઈ અને ચંદ્રપ્રકાશ મહારાજ સહિતના અનેક લોકો મદદ કરે છે. રોટલી, શાક, દાળ, ભાત. સાંજે ખીચડી, શાક, પરાઠા, કઢી સહિતની વિવિધ વસ્તુઓ રાંધીને તૈયાર કરીને ભીમનાથ મહાદેવને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે.
આ ટિફિનને પ્રસાદ સ્વરૂપે ગણીને સૌના સ્વાસ્થ્ય માટે મંગળ કામના પણ કરવામાં આવે છ. ૭૦ વર્ષના જસવંત કાકા મહામારીનો માહોલ છતાં ચિંતા કર્યા વિના ગ્રોસરી, શાક તથા કઠોળ ભરવાનું તથા હિસાબ કામ સંભાળે છે. ટિફિન સર્વિસ માટે રસોડું તૈયાર કર્યુ ત્યારે ખૂબ તકલીફ પડી પરંતુ ભાવના સારી હોય તો કોઈ કામ અટકતા નથી તેનો અનુભવ થઈ રહ્યો છે.