પાલડીમાંથી અંગત અદાવતમાં યુવકનું અપહરણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/Kidnapping-1024x576.jpg)
પ્રતિકાત્મક
યુવકને ઢોરમાર મારતાં લોકોનું ટોળુ એકત્ર થતા અપહરણકારો ભાગી છુટ્યા |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગંભીર પ્રકારના બનાવો વધવા લાગ્યા છે દિવાળીના તહેવાર પૂર્વે લુંટની ઘટનાઓ વચ્ચે ગઈકાલે રાત્રે શહેરના પાલડી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે.
જેમાં અંગત અદાવતમાં ફટાકડાની ડિલિવરી કરી ઘરે પરત ફરી રહેલા એક યુવકનું ત્રણ શખ્સોએ અપહરણ કરી ઢોરમાર મારતા સનસનાટી મચી ગઈ છે. આ અંગે પાલડી પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. અગાઉ થયેલી મારામારીની ઘટનામાં આરોપીઓએ યુવકનું અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના પાલડી વિસ્તારમાં શાંતિવન પાસે પી.ટી. કોલેજ રોડ પર આવેલી જલનાદ સોસાયટીમાં રહેતો હર્ષિત શુકલ નામનો ર૩ વર્ષનો યુવક કોલેજમાં અભ્યાસ કરવાની સાથે સાથે નોકરી પણ કરે છે. હાલમાં તે ફટાકડાની દુકાનમાં નોકરી કરતો હોવાથી ઘરાકોને ફટાકડાની હોમ ડિલિવરી કરવાની જવાબદારી તેના પર છે.
ગઈકાલે રાત્રે ૮.૩૦ વાગ્યાની આસપાસ હર્ષિદ પોતાની બાઈક પર તેના મિત્ર સ્વપ્નીલને બેસાડી ફટાકડાની ડિલિવરી કરવા માટે નીકળ્યો હતો. ડિલિવરી કરી હર્ષિદ અને તેનો મિત્ર સ્વપ્નીલ ઘરે પરત ફરી રહયા હતા. તેમનું બાઈક ધરણીધર દેરાસરથી આગળ પહોચ્યુ હતું ત્યારે અચાનક જ ફુલ સ્પીડમાં આવતા એક બાઈકે તેને ઓવરટેક કરી હતી અને હર્ષિતની બાઈકને અટકાવી હતી.
બાઈક પર બે શખ્સો બેઠેલા હતા આ દરમિયાનમાં જ અેક્ટિવા પર અન્ય એક ત્રીજા શખ્સ આવી પહોંચ્યો હતો. આ ત્રણેય શખ્સોએ ભેગા થઈ હર્ષિતને તેની બાઈક પરથી નીચે ઉતાર્યો હતો. અને સ્વપ્નીલને બાઈક લઈ ત્યાંથી જતા રહેવા જણાવ્યું હતું.
બાઈક પર આવેલા સિધ્ધાર્થ તથા તેના મિત્ર અમિત ઠાકોર તથા સુરેશ નામના શખ્સોએ સ્થળ પરથી હર્ષિદને બળજબરીપૂર્વક પોતાની બાઈક પર બેસાડી ત્યાંથી અપહરણ કરી ઉઠાવી ગયા હતાં. ધરણીધર દેરાસર પાસેથી હર્ષિદનું અપહરણ કરી ત્રણેય શખ્સો સૌ પ્રથમ અંજલિ ચાર રસ્તા પાસે પાછળના રોડ પર અંધારામાં લઈ ગયા હતા અને ત્યાં તેને ઢોરમાર માર્યો હતો.
સિધ્ધાર્થે હર્ષિદને જણાવ્યું હતું કે તે પહેલા મને માર માર્યો હતો તેનો આ બદલો લઉ છું આવું કહી ત્રણેય શખ્સોએ ઢોરમાર મારી ફરી એક વખત તેને ત્યાંથી બાઈક પર ફુલબજાર પાસે ભરાતા રવિવારીના બજાર નજીક લઈ ગયા હતા અને ત્યાં ત્રણેય શખ્સોએ ગડદાપાટુનો માર મારતા હર્ષિદે બુમાબુમ કરી મુકી હતી જેના પરિણામે આસપાસના લોકો દોડી આવતા લોકોનું મોટુ ટોળુ એકત્ર થઈ ગયું હતું.
લોકોના ટોળાને જાઈ ત્રણેય આરોપીઓ હર્ષિદને ત્યાં મુકી ભાગી છુટયા હતાં બીજીબાજુ એકત્ર થયેલા લોકોએ હર્ષિદને બેસાડયો હતો અને તેની પાસેના ફોનમાંથી તેના પરિચિતોને ફોન કરતા તેના મિત્રો અને પરિવારજનો દોડી આવ્યા હતાં સૌ પ્રથમ હર્ષિદને પાલડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સમગ્ર હકીકત જણાવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં.
સૌ પ્રથમ હર્ષિદને સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ તેની ફરિયાદના આધારે પાલડી પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.