પાલડી : કાલુપુર સ્ટેશને જતાં યુવકને રીક્ષા ચાલક તથા સાગરીતે લુંટી લીધો
યુવાન પાસેથી ૩૦ હજારથી વધુની રોકડ તથા બેગની લુંટ
(પ્રતિનિધિ) અમદાવાદ: રાજકોટથી આવેલા એક યુવકને યુપી જવાનું હોઈ સરખેજ નજીકથી એક રીક્ષામાં બેઠો હતો ત્યારે રીક્ષા ચાલક અને તેના સાગરીતે વાસણા નજીક આવતા જ યુવકનો પર્સ તથા બેગ ઝુટવી લઈ તેને લુંટી લીધા બાદ રીક્ષામાંથી નીચે ફેંકી દીધો હતો આ ઘટનાની ફરીયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
અનીલ કશ્યપ (ર૮) મૂળ ઉત્તર પ્રદેશનો છે અને હાલમાં ગ્રીન લેન્ડ ચોકડી રાજકોટ ખાતે રહે છે તેમને ઉત્તર પ્રદેશ ખાતે જવાનું હોવાથી રાજકોટથી તે સરખેજ ખાતે પહોચ્યા હતા અને ઉજાલા સર્કલ પાસેથી એક રીક્ષામાં કાલુપુર સ્ટેશન ખાતે જવા બેઠા હતા જેમાં અગાઉથી જ એક મુસાફર બેઠેલો હતો.
વાસતા નજીક આવતાં જ રીક્ષા ચાલકે રીક્ષા રોકીને અનીલભાઈને ઉતરી જવાનું કહયું હતું જેથી અનીલભાઈએ ભાડું આપવા પાકીટ કાઢતા ચાલકે પાકીટ હાથમાંથી ઝુંટવી તમામ રોકડ રકમ કાઢી લીધી હતી બાદમાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા શખ્સે તેમની બેગ લઈ લીધી હતી. અનીલભાઈએ તેમને પોતાના રૂપિયા અને સામાન આપી દેવા આજીજી કરતા બંનેએ તેમને રીક્ષામાંથી ધક્કો મારી રીક્ષા ભગાવી મુકી હતી
જેથી અનીલભાઈએ બુમાબુમ કરી મુકતા રાહદારીઓ એકત્ર થયા હતા. બાદમાં પોલીસની પીસીઆર વાન પણ આવી પહોચી હતી સાંજના સાડા છ ના સુમારે ભરચક રોડ પર લુંટની ઘટના બનતાં તમામ ચોંકી ઉઠયા હતા પાલડી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.