પાલડી ફલાય ઓવર બ્રિજ નીચે ચાર દિવસ પહેલાં રીસરફેસ કરેલો રોડ ખોદી નાંખ્યો
મેયર, ધારાસભ્ય અને કોર્પોરેટરોને પ્રજાના પૈસાના વેડફાટની જાણ કરાઈ
(એજન્સી) અમદાવાદ, શહેરના પાલડી-વાસણા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે બનાવાયેલા નવા ફલાયઓવરની નીચે ચાર દિવસ પહેલાં રીસફેરસ કરાયેલા રોડ નીચે પાણીની લાઈન નાંખવાની રહી ગઈ હોવાથી ફરી રોડ ખોદી નાંખવામાં આવતા સ્થાનિક રહીશો મ્યુનિસિપલ તંત્રની અણધડ આયોજનને જાઈને નવાઈ પામી ગયા હતા.
પાલડી-વાસણા વિસ્તારના સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, પાલડીથી વાસણા સુધીના વિસ્તારમાં આવતા જુદા જુદા જંકશન ખાતે ટ્રાફીકની સમસ્યા સર્જાતી હતી. તેના પગલે સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યની રજુઆતથી પાલડી-વાસણા વચ્ચે લાંબો ફલાયઓવર બ્રિજ બનાવવામાં આવ્વયો એ આવકાર્ય છે. ફલાયઓવરની કામગીરીના કારણે અનેક પ્રકારની હેરાનગતિ થઈ તેમ છતાં પછી તો કાયમની શાંતિ એવું માનીને કોઈએ ક્યાંય વાંધાવચકા લીધા નહોતા.
નવા ફલાયઓવરનું કામ પૂરૂ થયુ છે અને તેના નીચે સર્વિસ રોડ જે ઉબડખાબડ હતા તેનું સમારકામ અને રીસરફેસની કામગીરી પણ ચારપાંચ દિવસ પેહલાં પૂરી કરવામાં આવી ત્યારે નાગરીકોએ હાશકારો અનુભવ્યો હતો. પંરતુ રવિવારે સવારે જ મ્યુનિસિપલના ઈજનેર ખાતાના કર્મચારીઓ જેસીબી અને મજુરોને લઈ પાલડી તરફના બ્રિજના છેડા નજીક નવો જ રીસરફેસ કરેલો રોડ ખોદવા માંડ્યો હતો.
તે જાઈને આસપાસના સ્થાનિક નવાઈ પામી ગયા હતા. અને કેટલાંકે તો જઈને મજુરોને પૂછ્યુ હતુ પણ ખરૂ કે રોડ કેમ ખોદવાનું શરૂ કર્યુ. તેના જવાબમાં મજુરોએ એવું જણાવ્યુ હતુ કે પાણીની કોઈ પાઈપ લાઈન નાંખવાની રહી ગઈ હોવાનું યાદ આવ્યુ છે. એટલે લાઈન નાખવા માટે રોડ ખોદવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ તંત્રના આવા અણધડ આયોજનને જાઈ નારાજ થયેલા સ્થાનિક રહીશોએ પ્રજાના પૈસાનો ધુમાડો કરનારા અધિકારીઓ ના કારસ્તાનની જાણ મેયર બિજલબેન પટેલ, ધારાસભ્ય રાકેશભાઈ શાહ તથા પાલડી-વાસણાના અન્ય કોર્પોરેટરોને કરી હતી.