પાલનપુરઃ ભેંસ જાેવાના બહાને વ્યક્તિને ઘર બહાર બોલાવી ફાયરિંગ કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Firing-scaled.jpg)
Files Photo
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ભાગળ ગામ ખાતે સટ્ટાના પૈસાની લેવડદેવડ મામલે ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં કારમાં આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કરતા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડ્યો હતો. પોલીસે ફાયરિંગ કરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે પાલનપુર તાલુકાના ભાગળ ગામે રહેતા ઇમરાન આગલોડિયા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. બે વર્ષ અગાઉ સટ્ટાના પૈસાની લેવડદેવડ મામલે ઈમ્તિયાઝ મેવાતીને માર મારતા તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ સટ્ટાના પૈસાની લેવડ દેવડની અદાવતમાં ઈમ્તિયાઝ મેવાતીના પુત્ર અક્રમ મેવાતી સહિત ચાર શખ્સોએ ઇમરાન પર ફાયરિંગ કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.
ગત મોડી રાત્રે ભાગળ ગામ ખાતે ઈમરાનભાઈ પોતાના ઘરે હતા. આ સમયે અક્રમ મેવાતી સહિત ચાર શખ્સો કાળા કલરની ઈનોવા કારમાં આવ્યા હતા અને ભેંસો જાેવાના બહાને ઇમરાનભાઈને ઘરની બહાર બોલાવ્યા હતા. ઇમરાનભાઈ બહાર આવતાની સાથે જ જૂની અદાવત રાખી ઉશ્કેરાયેલા અક્રમ મેવાતીએ ઈમરાનભાઈ પર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું.
હુમલામાં ઈમરાનભાઈને ડાબા પગમાં ગોળી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. હુમલા બાદ ચારેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા.
બનાવને પગલે આજુબાજુના લોકો અને પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જે બાદમાં ઈજાગ્રસ્તને સારવાર માટે પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ ઈજાગ્રસ્તની હાલત સ્થિર છે. પાલનપુર તાલુકા પોલીસે ફાયરિંગ કરી હુમલો કરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.