પાલનપુરના ચડોતર ખાતે શ્રી ધાન્ધાર પંચાલ જ્ઞાતિ સમાજ સમૂહ લગ્ન સમારોહ યોજાયો
ગોળ- પરગણાના વાડામાંથી બહાર આવી વિશ્વકર્મા સ્કીલ યુનિવર્સિટીની સ્થાપનાની દિશામાં વિચારવાની જરૂર છે-મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
(માહિતી બ્યુરો, પાલનપુર)
પાલનપુર તાલુકાના ચડોતર ખાતે સહકાર, ઉદ્યોગ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ શ્રી ધાન્ધાર પંચાલ જ્ઞાતિ સમાજના સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં પાડનાર ૧૩ નવદંપતિઓને સુખી લગ્ન જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. આ શુભ પ્રસંગે મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ શ્રી ધાન્ધાર પંચાલ સમાજ સમૂહ લગ્ન સમિતિના આયોજકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, પંચાલ સમાજ ૨૮૨ પરગણામાં ફેલાયેલો સમાજ છે ત્યારે માત્ર ધાન્ધાર સમાજ જ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે તે સમયની જરૂરીયાત છે. મંત્રીશ્રીએ સમાજમાં એકતા- ભાઇચાર અને સંપ ની ભાવના પર ભાર મુકતા જણાવ્યું કે, ગોળ- પરગણાના વાડામાંથી બહાર આવી વિશ્વકર્મા સ્કીલ યુનિવર્સિટીની સ્થાપનાની દિશામાં વિચારવાની જરૂર છે.
એક મંચ પર ભેગા થઇ સમાજના વિકાસ માટે કામ કરવાની મંત્રીશ્રીએ અપીલ કરી હતી. તેમણે નવદંપતિઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ૧૮ વર્ષ સુધી પોતાના મા- બાપના ઘેર લાડકોડમાં ઉછરેલી દિકરી પિતાના કાળજાનો કટકો તમને સોંપી રહ્યા છીએ ત્યારે તેમને સાચવવાની અને સન્માન આપવાની જવાબદારી હવે તમારી છે તેમ તેમણે જણાવ્યું હતુ. આ પ્રસંગે ડીસાના ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યાએ જણાવ્યું કે, છેલ્લા ૩૦ વર્ષથી સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરીને શ્રી ધાન્ધાર પંચાલ સમાજે અન્ય સમાજોને પ્રેરણા મળે તેવું સુંદર કાર્ય કર્યુ છે.
તેમણે પ્રભુતામાં પગલાં માંડનાર ૧૩ નવદંપિતઓને આશીર્વાદ આપી સુખી લગ્ન જીવનની શુભકામનઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા પંચાલ સમાજનું ગૌરવ છે. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્યશ્રી મહેશભાઇ પટેલે નવદંપતિઓને આશીર્વાદ પાઠવતાં જણાવ્યું કે, શ્રી ધાન્ધાર પંચાલ સમાજ દ્વારા સમાજમાં થતાં ખોટા ખર્ચાઓ અને કુરિવાજોને દૂર કરવા માટે દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે આજે પંચાલ સમાજ પોતાની મહેનતથી તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યો છે જે અભિનંદનને પાત્ર છે. સમૂહ લગ્ન સમારોહમાં પંચાલ સમાજના અગ્રણીશ્રી રમેશભાઇ પંચાલ, સમાજના પ્રમુખશ્રી રતિભાઇ પંચાલ સહિત દાતાશ્રીઓ, સમાજના આગેવાનો અને વર-કન્યા પક્ષના લોકો તથા વિશાળ સંખ્યામાં સમાજના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.