પાલનપુરના રણાવાસ નજીક વીજ થાંભલો દુર કર્યા વિના જ રોડ બનાવી દેવાયો

પાલનપુર, પાલનપુરથી રણાવાસ સુધીનો રોડ પહોળો કરવાની કામગીરીમાં કોન્ટ્રાકટરની લાલીયાવાડીને કારણે એક બાદ એક ક્ષતિઓ સર્જાઈ રહી હોય લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
આ અંગે જાણવા મળતી માહિતી મુજબ રણાવાસ નજીક રોડ વચ્ચે ઉભેલા વીજ થાંભલાને હટાવ્યા વિના જ રોડ બનાવી દેવામાં આવતા રોડના વળાંક થાંભલાને લઈ અકસ્માત સર્જાવાની દહેશત વર્તાવા લાગી છે.
બનાસકાંઠા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાલનપુરથી રણાવાસ સુધી ૧૭ કિ.મી.રોડ પહોળો કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં અગાઉ રોડ સાઈડોમાં આડેધડ ખોદકામને લઈ પાણી પુરવઠાની પાણીની પાઈપો તૂટી ગઈ હતી .
કોન્ટ્રાકટર દ્વારા પાઈપોનું સમારકામ કરવામાં ન આવતા આ વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય હતી જે બાદ રણાવાસ નજીક રોડ વચ્ચે ઉભેલા વીજ થાંભલાને રોડ સાઈડના દુર કર્યા વિના જ રોડ બનાવી દેવામાં આવતા આ વીજ થાંભલો રોડના વળાંકમાં વચ્ચોવચ આવી જતા આ માર્ગે પસાર થતા વાહન ચાલકોને અકસ્માત સર્જાવાની દહેશત વર્તાઈ રહી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ જાેખમી વીજ થાંભલાને રોડ વચ્ચેથી દુર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.