પાલનપુરના વાસણ(ધા) ગામની પરિચારિકા દિકરી પાકિસ્તાન સરહદે કોરોના વોરિયર્સ બની
પરિવારની યાદ તો આવે છે પણ મા
ભારતીની સેવા મારી પ્રથમ ફરજ છે: ભારતીબેન ઠાકોર
પાલનપુર,પ પરિવારનીયા તો આવે છે પણ મા ભારતીની સેવા મારી પ્રથમ ફરજ છે આ વાક્યો છે પાલનપુરના વાસણ(ધા) ગામની પરિચારિકા દિકરી શ્રી ભારતીબેન ઠાકોરના… જે વર્તમાન સમયે છેલ્લા બે માસથી પરિવારજનોને મળ્યા વિના વતનથી ૧૩૦ કિલોમીટર દૂર પાકિસ્તાન સરહદ નજીક સૂઇગામ તાલુકાના મમાણા ગામે ઉનાળાની બળબળતી ગરમી વચ્ચે કોરોના વોરિયર્સ બની લોકોના આરોગ્યની સંભાળ લઈ રહી છે.
કોણ કહે છે કે, દિકરી એ સાપનો ભારો છે. જો રૂઢિગત રીત–રિવાજોને ત્યજીને દિકરીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવામાં આવે તો તેઓ પણ ઉચ્ચશિક્ષણ થકી સમાજ અને દેશ સેવા કરી બતાવવાની તાકાત ધરાવે છે. અત્યારે સમગ્ર વિશ્વ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય, પોલીસ, ૧૦૮, ૧૮૧ સહિતની સામાજિક સંસ્થાઓમાં અનેક દિકરીઓ પોતાની ફરજ અદા કરી રહી છે. જેમાં પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે ઠાકોર સમાજના ૫૦૦ ઘરોમાં સૌ પ્રથમવાર શ્રી ભારતીબેન મુકેશભાઈ ઠાકોરએ ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગનો કોર્ષ કરી ફિમેલ હેલ્થ વર્કર તરીકે વર્તમાન સમયે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહી છે.
પોતાના વતનથી ૧૩૦ કિલોમીટર દૂર પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા સૂઇગામ તાલુકાના મમાણા સબ સેન્ટરમાં ફરજ બજાવતાં ભારતીબેન ઠકોરે જણાવ્યું હતું કે, એક તરફ મારા પિતાનું સારણગાંઠનું ઓપરેશન ચાલતું હતું અને હું ઘરેથી નોકરીના સ્થળે જવા નીકળી હતી. જો કે, તે પછી કોરોના વાયરસનું સંક્રમણ થતાં છેલ્લા બે માસથી ઘરે આવી નથી.
પરિવારની યાદ તો આવે છે પણ મા ભારતીની સેવા મારી પ્રથમ ફરજ છે. તેઓ અત્યારે ઘરે ઘરે જઇ લોકોના આરોગ્યની સંભાળ અને સર્વેની કામગીરી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વાસણ(ધા) ગામના શ્રી લક્ષ્મણજી વાલજીજી ઠાકોર જેઓએ માહિતી ખાતામાં ઘણા લાંબા સમય સુધી સરકારી સેવા આપી અત્યારે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.
જેમણે શિક્ષણનું મહત્વ સમજતાં તેમના બે પુત્રોને ઉચ્ચ શિક્ષણ આપતાં શ્રી મુકેશ ઠાકોર (માસ્ટર ઓફ જર્નાલિજમ એન્ડ માસ કોમ્યુનિકેશન, ગુજરાત વિધાપીઠ અમદાવાદ) નવ ગુજરાત સમયમાં જિલ્લાના સિનિયર રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે નાનો પુત્ર શ્રી મહેશ ઠાકોર પાલનપુરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રી વિવિધલક્ષી વિધામંદિરમાં ફરજ બજાવે છે.
દરમિયાન શ્રી મુકેશભાઇએ તેમની દિકરી ભારતીને ઉચ્ચ શિક્ષણ આપતાં દિકરીએ ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગમાં એ. એન. એમ. નો કોર્ષ કરી ફિમેલ હેલ્થ વર્કર તરીકે કોરોના વોરિયર્સ બની ચોવીસી ઠાકોર સમાજ તેમજ ગામનું નામ સમગ્ર ઠાકોર સમાજમાં રોશન કર્યુ છે.
પોતાની વ્હાલસોયી દિકરીની સેવાને બિરદાવતા શ્રી મુકેશભાઇએ જણાવ્યું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં મારી દિકરી લોકોના આરોગ્યની સંભાળ લઇ રહી છે એ એક બાપ માટે ખુબ ગૌરવ અને આનંદની વાત છે. આવા કપરા સમયમાં રાષ્ટ્રન માટે સમર્પિતભાવથી સેવા કરવીએ દરેકની ફરજ છે.