પાલનપુરમાં ૧.૯૧ કરોડનું સરકારી અનાજનું ઉચાપત
પાલનપુર: સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાનમાં કરોડો રૂપિયાની અનાજ પહોંચાડવામાં આવે છે. પરંતુ અનાજ ગરીબોના ઘર સુધી નહીં પરંતુ અનાજ માફિયાઓના ગોડાઉન સુધી પહોંચી રહ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના કલેકટરને મળેલી માહિતી મુજબ કલેકટરે જિલ્લાના મુખ્ય ગોડાઉન પર તપાસ ટીમ મોકલી હતી. જે તપાસ ટીમ દ્વારા તપાસ કરાતા સરકારી અનાજનો જથ્થો ગોડાઉનમાંથી ગાયબ દેખાયો. જેની સઘન તપાસ તથા ૧ કરોડ ૯૧ લાખની કિંમતનો ઘઉં અને ચોખાનો જથ્થો ગાયબ મળ્યો.
જે મામલે જિલ્લા કલેકટરની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી સુઘેન્દ્રસિંહ ચાવડાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
૧ કરોડ ૯૧ લાખ જેટલી માતબર રકમની સરકારી અનાજનો જથ્થો ગાયબ મળતા પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ચિંતામાં મુકાયા હતા.
તપાસ પૂરી થતાં જ ગોડાઉન મેનેજર ટ્રાન્સપોર્ટ તેમજ ઓડિટર સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સરકારી અનાજના જથ્થા ઉચાપત મામલે આરોપીઓની શોધખોળ હાથધરી છે. ગરીબોના મોં સુધી પહોંચનાર સરકારી અનાજના કાળા બજારી લોકો ચાંઉ કરી ગયા છે. રેકર્ડ દસ્તાવેજના આધારે આટલી મોટી ઉચાપત સ્પષ્ટ થઇ છે.